અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો મેળવી છે. ગત વખતે ગુજરાતમાંથી ચૂંટાયેલા સાત સાંસદોને કેન્દ્રિય પ્રધાન મંડળમાં સ્થાન મળ્યુ હતું. પરંતુ આ વખતે સાત સાંસદોને પ્રધાન મંડળમાં સ્થાન મળે એવી શક્યતા ઓછી છે. કારણ કે, એનડીએના સાથી પક્ષો વધુ મંત્રીપદ માગી રહ્યા છે. નીતિશથી લઈને નાયડુએ મંત્રાલયોની ડિમાન્ડોનું લિસ્ટ ભાજપને સોંપી દીધું છે.
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્રીજીવાર શપથ લેશે. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટી છે. એટલે એનડીએમાં સામેલ સાથી પક્ષો તકનો લાભ લઈને પ્રેશર પોલિટિક્સ કરી મનગમતાં મંત્રાલય મેળવવા તલપાપડ છે. જેની સીધી અસર મોદી કેબિનેટમાં ગુજરાતમાંથી બનતા મંત્રીઓની સંખ્યા પર થઈ શકે છે. ગુજરાતમાંથી 26માંથી 25 લોકસભા બેઠક પર ભાજપની જીત થઈ છે. મોદીના બીજા કાર્યકાળમાં ગુજરાતમાંથી કુલ 7 મંત્રીઓ હતા. આ સંખ્યા ઘટીને 4થી 5 થઈ શકે છે. ગત ટર્મમાં કેન્દ્રિય પ્રધાન રહેલા દર્શના જરદૌશ અને મહેન્દ્ર મુંજપરાને તો ભાજપે ટિકિટ જ આપી નહોતી. પણ જેપી નડ્ડા, જયશંકર, માંડવિયા અને અમિત શાહને સાચવવામાં સૌથી મોટો ઘડો લાડવો રૂપાલા, દેવુસિંહ ચૌહાણનો થાય તેવી શક્યતા છે. ઉપરાંત રૂપાલાના વિવાદને કારણે ભાજપ ફરીવાર એમને પ્રધાન બનાવે તેવી સંભાવના નથી. મોદીના એક સમયે ખાસ ગણાતા રૂપાલાથી મોદી નારાજ હોવાથી રૂપાલાની જીત છતાં મંત્રાલય મળે તેવી સંભાવના નથી પણ પાટીલનો સમાવેશ કેવી રીતે કરવો એ ભાજપ માટે સૌથી મોટો પ્રશ્ન છે.
સૂત્રોના કહેવા મુજબ ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવા છતાં ભાજપે લોકસભા સુધી એમને જવાબદારી સોંપી હતી. પાટીલ દિલ્હી જવા માટે થનગની રહ્યાં છે. પાટિલ ગુજરાતમાં સૌથી વધારે લીડથી જીતનારા નેતા છે. એમના કાર્યકાળમાં ભાજપ 156 સીટો જીતવાની સાથે રાજ્યમાં 25 લોકસભા સીટો પર વિજેતા બન્યું છે. સીઆર પાટીલ પાસે હવે પ્રદેશ અધ્યક્ષનું કાર્યકારી પદ છે. ભાજપ સામે સૌથી મોટુ સંકટ હવે ગઠબંધન સરકાર છે. સહયોગીઓને સાચવવામાં ભાજપ પાસે મંત્રાલયો ઘટવાની સાથે ભાજપે ગુજરાતને બદલે બીજા રાજ્યો પર ફોકસ વધારવું પડશે. જેને પગલે મંત્રાલયો બીજા રાજ્યોમાં વહેંચાય એવુ રાજકીય વર્તુળોમાં ચર્ચાય રહ્યું છે
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિદેશમંત્રી જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હોવાથી એમનું કેબિનેટ પદ પાક્કું છે. અમિતભાઈ શાહ પણ કેબિનેટ મંત્રી બનશે. હવે માંડવિયા અને રૂપાલા બંને પાટીદાર નેતાઓ છે. રૂપાલા કપાય તો જ માંડવિયાને ફરી લોટરી લાગી શકે છે. ભાજપ માટે વિકટની સ્થિતિ એ છે કે જેપી નડ્ડા પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. હવે નડ્ડાને પણ ગુજરાતમાંથી મંત્રાલય અપાય તો દેવુસિંહ ચૌહાણને ઝટકો લાગી શકે છે. (FILE PHOTO)