રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢીથી ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય નેતાઓના ચૂંટણી પ્રચારાર્થે ગુજરાતના આંટાફેરા વધી રહ્યા છે. ત્યારે સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી તા. 20મી સપ્ટેમ્બરને મંગળવારે જેપી નડ્ડા રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક સભાને પણ સંબોધિત કરશે.ઉપરાંત મોરબીમાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. જેમા અલગ અલગ રાજકીય પક્ષો પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અગાઉ આમ આદમી પાર્ટીના કેજરીવાલ પણ રાજકોટ આવ્યા હતા. અહીં તેમણે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. આમ તો રાજકોટ શહેર ભાજપનો ગઢ ગણાય છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 20 સપ્ટેમ્બરે રાજકોટની મુલાકાતે આવશે. અને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભાજપના કાર્યકર્તાઓને ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે. ત્યારબાદ જનસભાને સંબોધશે.
રાજકોટ શહેર ભાજપના સૂત્રોએ જણાવ્યું હતુ કે જેપી નડ્ડા આગામી મંગળવારે બપોરે બે વાગ્યે રાજકોટ આવશે. અને રેસકોર્સ પર જનસભાને સંબોધન કરશે. આ સભામાં રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા 15000થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યકર્તાઓને જેપી નડ્ડા આગામી વિધાનસભાની ચૂંટણીનું માર્ગદર્શન આપશે. ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષનુ ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ અંગેની તૈયારીઓ પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.
રાજકોટની સભા પૂર્ણ કર્યા બાદ જેપી નડ્ડા મોરબી જવા રવાના થશે. પાટીદારોના ગઢ ગણાતા મોરબી શહેરમાં જેપી નડ્ડાના રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. સિરામિકના હબ અને કડવા પાટીદાર સમાજના એપી સેન્ટર ગણાતા મોરબીમાં જેપી નડ્ડા રોડ શો યોજશે. વિધાનસભા ચૂંટણી પહેલા કડવા પાટીદારોના ગઢ સમાન મોરબીમા રોડ શો કરી જેપી નડ્ડા વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફુંકશે.