Site icon Revoi.in

ભાજપઃ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક યોજાશે

Social Share

દિલ્હીઃ દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની ખાલી પડેલી બેઠકો ઉપર તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનું ભારે ધોવાણ થયું છે. દરમિયાન આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં વી છે.   ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

માહિતી અનુસાર, આ બેઠક 7 નવેમ્બરના રોજ સવારે 9.30 વાગ્યાથી શરૂ થઈને સાંજે 4.30 વાગ્યા સુધી ચાલશે. ભાજપની આ એક દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના ભાષણથી શરૂ થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સાથે સમાપ્ત થશે. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના 300 જેટલા નેતાઓ હાજર રહેશે, જ્યારે તમામ રાજ્યોમાંથી પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મંત્રીઓ અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પાર્ટીના પ્રદેશ કાર્યાલય સાથે સામૂહિક રીતે જોડાશે. એકંદરે મીટીંગનું ફોર્મેટ ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારનું હશે. દિલ્હીમાં NDMC કન્વેન્શન સેન્ટરમાં રાષ્ટ્રીય પદાધિકારીઓ, રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો, કેન્દ્રીય મંત્રીઓ ભાગ લેશે.

વિષયના નિષ્ણાતોનું માનવું છે કે ખેડૂતોના પ્રશ્નો, કોરોના સામે પક્ષ અને સરકારની લડાઈ અને વર્તમાન આર્થિક મુદ્દાઓ જેવા તમામ મુદ્દાઓને એક પ્રસ્તાવમાં સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત પાર્ટીના વિસ્તરણના આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ, ગોવા, પંજાબ, મણિપુર અને ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે. પાર્ટી હાઈકમાન્ડ આ રાજ્યોમાં સતત રેલીઓ કરી રહી છે. કાર્યકરો બૂથ લેવલ સુધી તૈયારીમાં વ્યસ્ત છે. સરકારના કામોને લોકો સુધી પહોંચાડવા ભાજપ સતત કાર્યકર્તા સંમેલનો પણ કરી રહી છે. આવી સ્થિતિમાં 7 નવેમ્બરે યોજાનારી આ બેઠકને ચૂંટણીની તૈયારીની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.