Site icon Revoi.in

પોરબંદર પાલિકાની ચૂંટણીનું મનદુઃખ રાખીને BJPના પાલિકા સભ્ય, અને સાગરિતોએ બેની હત્યા કરી

Social Share

પોરબંદરઃ શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં થયેલા વૈમનસ્યને કારણે બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં  ભાજપના સુધરાઈ સભ્ય અને તેના સાગરિતોએ બદુંકના ભડાકે બેની હત્યા કરતા શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવમાં ચાર વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ભાજપ સુધરાઈ સભ્ય અને તેના પુત્ર સહિત 11 શખસો સામે હત્યા સહિતનો ગુનો નોંધી ત્રણ હત્યારાઓને ઝડપી લઈ અન્ય શખસોની શોધખોળ શરૂ કરી હતી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ  પોરબંદરના  ઈન્દિરાનગરમાં વાછરાદાદા મંદિર સામેની શેરીમાં રહેતો અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાલિકાની ચૂંટણીમાં હારી ગયેલા વનરાજ પરબત કેશવાલા તથા તેના ભાઈ રાજ અને વિજય તથા રાજના બે મિત્રો પ્રકાશ પદુ જુંગી અને કલ્પેશ કાનજી ભુતીયા તથા રાજનો સાળો નીરુ સહિતના વિરભાનુની ખાંભી પાસે પહોંચ્યા હતા ત્યારે ઈન્દિરાનગરમાં રહેતો હાજા લખમણ ઓડેદરા તથા તેનો ભાઈ અરભમ લખમણ ઓડેદરા, હાજાનો કાકો ભના નેભા ઓડેદરા, ઝુરીબાગના ભાજપના સુધરાઈ સભ્ય ભીમા ઓડેદરા, તેનો પુત્ર નીલેષ ભીમા ઓડેદરા, રામ સુખદેણવાળો સહિતના શખસો તલવાર-ધોકા અને રિવોલ્વર-પીસ્તોલ સાથે ધસી આવ્યા હતા અને બન્ને જૂથ વચ્ચે સશ્ત્ર ધિંગાણું ખેલાયું હતું. જેમાં વનરાજ પરબત કેશવાલા, તેનો ભાઈ રાજ કેશવાલા, કલ્પેશ કાનજી ભુતીયાને ગંભીર ઈજા થવાથી તાકીદે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે રાજ કેશવાલા અને કલ્પેશ કેતન ભુતીયાને મૃતજાહેર કરતા મામલો ડબલ મર્ડરમાં પલટાયો હતો. ફાયરિંગમાં વનરાજને ડાબા પડખામાં ગોળી ઘૂસી ગઈ હતી અને આંખ-માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.
આ બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં ઈજાગ્રસ્ત વનરાજ કેશવાલા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ ન.11માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડયો હતો અને તેની સામે ભીમા ઓડેદરા ભાજપમાંથી ચૂંટણી લડયો હતો અને ભીમો ઓડેદરા જીતી જતા ભીમાનો પુત્ર નિલેષ પરાજીત થયેલા વનરાજના ભાઈ રાજ સાથે અવાર નવાર ઝઘડો કરતો હતો અને મકરસંક્રાંતિના દિવસે રાજ સાથે નીલેષે ઝઘડો કર્યો હતો. બાદમાં વનરાજ કેશવાલા તેની ઓફિસે હતો ત્યારે હાજા લખમણ ઓડેદરાએ ફોન કરી ઝઘડો કરવા ઉશ્કેર્યો હતો અને ઈન્દિરાનગરમાં હાજાની ઓફિસ પાસે આવવાની વાત કરતા બન્ને જૂથ વીરભાનુ ખાંભી પાસે એકઠા થયા હતા અને સામસામી કારો અથડાવી ધિંગાણું ખેલાયું હતું અને ફાયરિંગ કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસે વનરાજ કેશવાલાની ફરિયાદ પરથી હાજા લખમણ ઓડેદરા, તેના ભાઈ અરભમ લખમણ ઓડેદરા, ભના નેભા ઓડેદરા, સુધરાઈ સભ્ય ભીમા ઓડેદરા, તેનો પુત્ર નીલેષ, રામ સુખદેણવાળો, સંજય પોલા રબારી, રામા રૈયા રબારી, હાજાનો ભત્રીજો હીતેશ રામા, મેરામણના છોકરા સહિતના વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસે ત્રણ શખસોને ઝડપી લીધા હતા અને હોસ્પિટલ ખાતે બન્ને જૂથના ટોળાં ઉમટી પડતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ નાસી છૂટેલા હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.