દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ જેપી નડ્ડાએ શુક્રવારે પાર્ટીના મુખ્યાલયમાં કેટલાક રાજ્યોમાં યોજાનારી આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના સંદર્ભમાં યોજાયેલી બેઠકની અધ્યક્ષતા કરી હતી.સૂત્રોએ જણાવ્યું કે આ બેઠકમાં ભાજપના તમામ મહાસચિવ, રાજ્યોના પ્રભારી, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રમુખો અને વરિષ્ઠ નેતાઓ હાજર હતા. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને દમણ દીવ અને દાદરા નગર હવેલીના અગ્રણી નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં વરિષ્ઠ નેતાઓએ સંગઠનાત્મક કાર્યક્રમો, લોકોનો પ્રતિસાદ અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગળની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ગુરુવારે ગુવાહાટીમાં પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોના નેતાઓ સાથે આવી જ બેઠક યોજાઈ હતી.
દક્ષિણના રાજ્યો અને મહારાષ્ટ્રના બીજેપી નેતાઓ રવિવારે હૈદરાબાદમાં બેઠક કરશે. સૂત્રોએ જણાવ્યું કે ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’ આ બેઠકોની થીમ છે, જે સરકારની સિદ્ધિઓ અને નવી પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સત્તા જાળવી રાખવાના અભિયાનને આગળ ધપાવતા ભાજપે તેની સંગઠનાત્મક ગતિવિધિઓ તેજ કરી છે. આ દિવસોમાં ભાજપમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
આ બેઠકોએ કેન્દ્રીય મંત્રી પરિષદ અને ભાજપ સંગઠનમાં ફેરફારની અટકળોને વેગ આપ્યો છે. તાજેતરમાં જ નડ્ડાએ ચાર રાજ્યોના પ્રદેશ પ્રમુખોને બદલીને નવી નિમણૂંકો કરી હતી. બેઠકોના ભાગરૂપે નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુરુવારે રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠક વિશે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે આ બેઠક છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી બેઠકોનો સિલસિલો ગણી શકાય.