- બીજેપી અધ્યક્ષ નડ્ડા જ આગામી અધ્યક્ષ રહેશે
- જૂન 2024 સુધી વધારાયો કાર્યકાળ
દિલ્હી – ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યકાળ વધારવાની વાત પર હવે મ્હોર લાગી ગઈ છો પ્રાપ્ત વિગત પ્રમાણે તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રીય કાર્યકારિણીએ આજે જેપી નડ્ડા માટે પ્રસ્તાવ મૂક્યો છે. રાજનાથ સિંહે આ પ્રસ્તાવ રાખ્યો છે. ભાજપના તમામ સભ્યોએ તેનો સ્વીકાર પણ કર્યો છે. ભાજપ અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવી રહ્યો છે.
આ બાબતને લઈને અમિત શાહે કહ્યું, ‘ભાજપ દેશના તમામ રાજકીય પક્ષોમાં સૌથી વધુ લોકતાંત્રિક રીતે ચાલતી પાર્ટી છે. જનસંઘની શરૂઆતથી લઈને આજ સુધી ભાજપમાં બૂથથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની ચૂંટણી હંમેશા પક્ષના બંધારણ મુજબ સમયસર થઈ છે.
આથી વધુ અમિત શાહે કહ્યું કે મને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપ 2024માં પણ મોટી બહુમતી સાથે જીતશે. તેમણે કહ્યું કે ફરી એકવાર નરેન્દ્ર મોદી પીએમ તરીકે દેશનું નેતૃત્વ કરશે.
જેપી નડ્ડાનો ત્રણ વર્ષનો કાર્યકાળ આ વર્ષે 20 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો હતો. આ પહેલા તેમને જુલાઈ 2019માં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તે પછી, 20 જાન્યુઆરી 2020 ના રોજ, તેમણે પૂર્ણ-સમય પ્રમુખ તરીકે પાર્ટીનો હવાલો સંભાળ્યો. ભાજપના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષને સતત ત્રણ વર્ષની બે ટર્મ આપવાની જોગવાઈ છે.
ઉલ્લેખનીય છે કે જેપી નડ્ડા બીજેપી અધ્યક્ષ તરીકે સતત બીજી ટર્મ મેળવનારા ત્રીજા નેતા બન્યા છે. આ અગાઉ લાલકૃષ્ણ અડવાણી અને અમિત શાહને સર્વિસ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. જો કે, રાજનાથ સિંહ પણ બે વખત પાર્ટી અધ્યક્ષ બન્યા હતા, પરંતુ તેમનો કાર્યકાળ સતત રહ્યો ન હતો.