નવી દિલ્હીઃ દેશમાં વિવિધ રાજકીય પક્ષોને વર્ષે કરોડોનું દાન મળે છે. દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી ભાજપને એક વર્ષના સમયગાળા દરમિયાન જંગ દાન મળ્યું છે. આ ઉપરાંત અન્ય રાજકીય પક્ષોને પણ એક વર્ષના સમયગાળામાં લાખો-કરોડોનું દાન મળ્યું છે. દેશમાં ભાજપ ઉપરાંત અન્ય મુખ્ય પાર્ટી ગણાતી કોંગ્રેસને એક વર્ષના સમયગાળા દરમિયાન ભાજપની સરખામણીએ અનેક ગણુ ઓછુ દાન મળ્યું છે. રાષ્ટ્રીય સ્તરે બે તૃતીયાંશ ઈલેક્ટોરલ બોન્ડ પણ ભાજપના ખાતામાં ગયા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) ને નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન દાન તરીકે રૂ. 614.53 કરોડ મળ્યા હતા, જે વિપક્ષ કોંગ્રેસ દ્વારા એકત્ર કરાયેલી રકમ કરતાં છ ગણી વધારે છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર કોંગ્રેસને આ સમયગાળા દરમિયાન 95.46 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.
પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસને આ સમયગાળા દરમિયાન 43 લાખ રૂપિયા દાન તરીકે મળ્યા હતા, જ્યારે CPI(M)ને 10.05 કરોડ રૂપિયા મળ્યા હતા. કેરળમાં CPI(M)ની સરકાર છે. ચાર રાષ્ટ્રીય પક્ષોએ તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા પ્રાપ્ત દાન અંગેના તેમના નવીનતમ અહેવાલો સબમિટ કર્યા હતા, જેણે દસ્તાવેજો જાહેર કર્યા હતા.
છેલ્લા પાંચ વર્ષમાં રાજકીય પક્ષોને મળતા કોર્પોરેટ ફંડમાંથી 4 ટકા એકલા ગુજરાતમાંથી આવ્યા હતા. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ફંડિંગના 94 ટકા ભાજપને મળ્યા છે. રાષ્ટ્રીય સ્તરે બે તૃતીયાંશ ઈલેક્ટોરલ બોન્ડ પણ ભાજપના ખાતામાં ગયા હોવાનું જાણવા મળે છે.