ઓડિશામાં ભાજપા દ્વારા મુખ્યમંત્રીની પસંદગી માટે મંથન શરૂ કર્યું, 10મીએ શપથગ્રહણ યોજોવાની શકયતા
નવી દિલ્હીઃ ઓડિશા વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપે અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું હતું. 26 વર્ષથી સત્તામાં રહેલી નવીન પટનાયકની બીજુ જનતા દળની સરકારને હટાવવામાં ભાજપ સફળ થયું છે. હવે ભાજપમાં સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ 10 જૂને યોજાય તેવી શક્યતા છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત બીજેપીની ટોચની નેતાગીરી પણ હાજરી આપી શકે છે.
ઓડિશામાં પહેલીવાર બની રહેલી ભાજપ સરકારના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શપથ ગ્રહણ સમારોહ માટે જનતા મેદાનને સજજ કરવામાં આવી રહ્યું છે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત 30,000 લોકો હાજરી આપશે. શપથ ગ્રહણ સમારોહ 10 જૂને યોજાશે. ભાજપ હાઈકમાન્ડે સરકારની રચના માટે ત્રણ નેતાઓની પેનલ ઓડિશા મોકલી છે. જેમાં મધ્યપ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગ, ભોપાલના સાંસદ આલોક શર્મા અને ભાજપના નેતા લોકેન્દ્ર પરાશરનો સમાવેશ થાય છે. સીએમ કોણ હશે તે પણ ટૂંક સમયમાં નક્કી થઈ શકે છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક અરુણ કુમાર સારંગીએ કહ્યું કે શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન સહિત અનેક મુખ્યમંત્રીઓ અને અન્ય VIP નેતાઓ આવી રહ્યા છે. અમે સુરક્ષા સહિત અન્ય વ્યવસ્થા કરી રહ્યા છીએ. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) આવી ચુક્યું છે. અમે સુરક્ષા માટે પૂરતા પ્રમાણમાં સુરક્ષા દળો તૈનાત કરી રહ્યા છીએ.
દરમિયાન, ઓડિશા ભાજપના વડા મનમોહન સામલે શનિવારે નવી દિલ્હીથી પરત ફર્યા બાદ મુખ્ય પ્રધાનની પસંદગી અંગે નિવેદન આપ્યું હતું. તેણે હજુ બે દિવસ રાહ જોવાનું કહ્યું હતું. ભાજપ સંસદીય દળની બેઠકમાં ઓડિશાના મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે.