Site icon Revoi.in

સુરતમાં આજથી ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકઃ વિધાનસભાની ચૂંટણી અંગે મનોમંથન કરાશે

Social Share

સુરતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપે ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણીની ચર્ચા કરવા માટે આજે શનિવારે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક સૂરતમાં મળશે. આ કારોબારી બેઠકમાં ભાજપ પોતાના કારોબારી સભ્યોને કાર્યકર્તાઓની સંખ્યા વધારવા માટે આદેશ આપશે. ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી ધીરેધીરે પોતાનો વ્યાપ વધારી રહી છે. ભાજપને કોંગ્રેસ કરતાં વધુ ચિંતા આમ આદમી પાર્ટીને લઇને છે, ત્યારે તેની સામે ભાજપ પોતાના કાર્યકર્તાઓનું બળ વધારવા પ્રયત્ન કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ દ્વારા છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમયથી પેજ સમિતિ અને પેજ પ્રમુખને લઇને સંગઠનાત્મક કાર્યવાહી થઇ રહી છે.  પરંતુ ઘણી જગ્યાએ તેના ધાર્યાં પરિણામ મળ્યાં નથી. ગઇ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં જે જોરથી કામ થયું તે હાલ પેજ સમિતિઓ સક્રિય મોડમાં ન હોવાથી અઘરૂં બની ગયું છે. તેથી તે સમિતિઓને સક્રિય કરવાં અને વધુ સમિતિઓ બનાવવા પર કારોબારીની બેઠકમાં ભાર મૂકાશે. તેમજ ઉદયપુરમાં કન્હૈયાલાલ અને અમરાવતીમાં ઉમેશ કોલ્હેની થયેલી હત્યાના સંદર્ભમાં પ્રદેશ ભાજપની કારોબારીની બેઠકમાં ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે મુદ્દો મિટીંગના એજન્ડા તરીકે નથી, પરંતુ તે એક ચિંતાનો વિષય છે અને આગામી સમયમાં ગુજરાતમાં ચૂંટણીઓ આવી રહી હોવાથી રાજકીય કે અન્ય અદાવતોને કારણે આવી ઘટનાઓ ન બને તે ભાજપ અને રાજ્ય સરકારની જવાબદારી છે. આ અંગે ચર્ચા થઇ શકે, પરંતુ તેમાં કોઇ ઠરાવ પસાર કરવામાં આવે તેવું નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં પંચાયતોની ચૂંટણીમાંથી ઓબીસી ઉમેદવારોની અનામત હટાવી દેવાના મુદ્દે ભાજપના ઓબીસી નેતાઓ ચર્ચા કરી શકે છે. આ બાબત રાજકીય રીતે અને સામાજિક રીતે પાર્ટી અને સરકારને સ્પર્શી શકે તેમ હોવાથી, ઓબીસી સમાજના ભાજપના નેતાઓ આ મુદ્દો ઉઠાવે તો તે સંદર્ભે ચર્ચા થશે. જોકે સરકારે નિવૃત જજના વડપણ હેઠળ પંચની રચના કરી છે. ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને સંબંધિત કેન્દ્ર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે તેના લાભનો સંદેશ પહોંચાડવા પર ભાર મૂકાશે. શહેરી અને ગ્રામીણ મતદાતાઓ માટે સરકારે શું કર્યું અને હવે શું કરશે તે અંગે જાણકારી આપવા ભાજપના કાર્યકર્તાઓ ઘરે-ઘરે ફરશે. આ ઉપરાંત આગામી સમયમાં પાર્ટીના ચૂંટણીલક્ષી વિવિધ કાર્યક્રમોની રૂપરેખા પણ અહીં જાહેર કરવામાં આવશે.