બિહાર-રાજસ્થાનમાં ભાજપના પ્રદેશ પ્રમુખો બદલાયા, 6 રાજ્યોમાં પાર્ટીના નવા પ્રભારીઓની પણ નિમણૂક
રાજ્યસભાના સાંસદ મદન રાઠોડને રાજસ્થાન ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાઠોડના અનુભવ અને નેતૃત્વ ક્ષમતાને ધ્યાનમાં લઈને પાર્ટીએ તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મદન રાઠોડને પ્રદેશ અધ્યક્ષ બનવા પર અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મદન રાઠોડના ઉર્જાવાન નેતૃત્વ અને કુશળ માર્ગદર્શન હેઠળ ભાજપ રાજ્યમાં નવી સફળતાઓ તરફ આગળ વધશે. મુખ્યમંત્રીએ રાઠોડના ઉત્તમ કાર્યકાળ માટે ભગવાન રામને પ્રાર્થના કરી.
છ રાજ્યોમાં નવા પ્રભારીઓની નિમણૂક
ભાજપે છ રાજ્યોમાં નવા પ્રભારીઓની પણ નિમણૂક કરી છે. આસામના પ્રભારીની જવાબદારી હરીશ દ્વિવેદીને સોંપવામાં આવી છે. સાંસદ અતુલ ગર્ગને ચંદીગઢના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. અરવિંદ મેનનને લક્ષદ્વીપ અને તમિલનાડુના પ્રભારી બનાવવામાં આવ્યા છે. રાધામોહન દાસ અગ્રવાલને રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે ડો.રાજદીપ રોયને ત્રિપુરાના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપે બિહાર ભાજપના નવા અધ્યક્ષ તરીકે ડો. દિલીપ જ્યસ્વાલના નામની પસંદગી કરી છે.
ડૉ. દિલીપ જયસ્વાલ ખરેખર નક્કી કરી શકતા નથી કે આ ખુશીના સમાચાર છે કે દુઃખના. ઘણા સમયથી રાજકારણ કરી રહ્યા છે. પહેલીવાર બિહાર સરકારના મંત્રી બન્યા. પરંતુ, માત્ર છ મહિના પછી, તે ખુરશી હવે ગમે ત્યારે જઈ શકે છે. સંગઠનની જવાબદારી મળવા પર તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ તેઓ જાણે છે કે મંત્રી બનાવવાના કારણે જેમ સમ્રાટ ચૌધરીની ખુરશી છીનવાઈ હતી, તેમ તેમની પણ છીનવાઈ જશે. સંગઠનને મજબુત બનાવવાને પોતાની પ્રાથમિકતા ગણાવતા તેમણે બિહાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે રાજ્યાભિષેકનો ખુશીથી સ્વીકાર કર્યો છે, પરંતુ એ વાત ચોક્કસ છે કે તેમના સમર્થકોની ખુશીમાં પહેલાની સરખામણીમાં ઘટાડો થયો છે.