Site icon Revoi.in

ભાજપ દ્વેષભાવની રાજનીતિ કરી રાહુલ ગાંધીના અવાજને દબાવવાનો પ્રયાસ કરે છેઃ શક્તિસિંહ ગોહિલ

Social Share

અમદાવાદઃ સામાન્ય, મધ્યમવર્ગ અને દેશના નાગરિકોના જીવનને સ્પર્શતા મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ-પ્રશ્નો માટે સતત લડતા રાહુલ ગાંધીજી પર ભાજપ દ્વારા રાજકીય દ્વેષભાવ રાખી તેમના અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એવા આક્ષેપ સાથે  કોંગ્રેસ પક્ષ દ્વારા અમદાવાદ ખાતે ગાંધી આશ્રમ સામે ગાંધી ચિંધ્યા માર્ગે “મૌન સત્યાગ્રહ” યોજવામાં આવ્યો હતો.

ભાજપ સરકારની દ્વેષભાવની રાજનીતિ પર આકરા પ્રહાર કરતા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીજી જનનેતા તરીકે રાષ્ટ્ર હિતમાં ભારતના ખેડૂતો, યુવાનો, શ્રમિકો, નાના ઉદ્યોગકાર-વેપારીઓ માટે સતત અવાજ ઉઠાવે છે. જે ભાજપને મંજુર નથી.  રાહુલ ગાંધીએ ક્યારેય પણ કોઈ જ્ઞાતિ, સમાજ કે ધર્મનું અપમાન કર્યું નથી,  હંમેશા તેમને માન-સન્માન આપ્યું છે.  રાહુલ ગાંધી પ્રજાહિત માટે કામ કરે છે. જ્યારે બીજી તરફ મુઠ્ઠીભર લોકો માટે દેશ લુટાવાઈ રહ્યો છે. દેશના નાગરિકોના પરસેવાના કરોડો રૂપિયા ચાંઉ કરીને નિરવ મોદી, લલીત મોદી, મેહુલ ચોક્સી સહિતના ચોરોએ લુંટ ચલાવી છે. રાહુલ ગાંધી વારંવાર કહે છે કે મને જેલમાં પુરી દો, સંસદ સભ્યપદ રદ કરી દો, ઘર લઈ લો, તો પણ હું સત્ય બોલતો જ રહીશ. આજે પુજ્ય મહાત્મા ગાંધીના આશ્રમ સામે રાહુલ ગાંધીજીના સમર્થનમાં અમે સૌ ધરણાં ઉપર બેઠા છીએ ત્યારે કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર રાહુલ ગાંધીજીના સમર્થનમાં ઉભો છે.

ગાંધી આશ્રમ પાસે રાહુલ ગાંધીજીના સમર્થનમાં આયોજીત “મૌન સત્યાગ્રહ”ના કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હાઈકોર્ટના આદેશને સુપ્રીમકોર્ટમાં પડકારશે. દરેક ભારતીયના કલ્યાણ માટે અમારી પ્રતિબધ્ધતા સ્પષ્ટ છે. પછી ભલે ભાજપ અમારી સામે કોઈપણ રણનીતિ અપનાવે, ભારતમાં આવી ફાંસીવાદી શક્તિઓ વધુ લાંબા સમય સુધી ચાલી શકશે નહીં. રાહુલ ગાંધીને ખોટી અને બદલાની ભાવનાથી કરવામાં આવેલી ગેરલાયકાતથી સમગ્ર દેશમાં આજે ખુબ આક્રોશ છે.