ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓ માટે સાત તબક્કામાં વોટિંગ કરાવવાના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપના મુખ્ય ચહેરા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશભરના વિપક્ષી દળોના ગઠબંધન વચ્ચે મુકાબલાનો મંચ તૈયાર થઈ ચુક્યો છે. પરિણામ શું હશે, તેની જાણકારી 23 મેના રોજ મતગણતરી બાદ સામે આવશે. પરંતુ 2014ની ગત લોકસભા ચૂંટણી બાદ દેશમાં થયેલી 27 વિધાનસભા ચૂંટણીના વોટિંગના આંકડા જણાવી રહ્યા છે કે કોંગ્રેસના મુકાબલે ભાજપને લોકોએ બીજી વખત પ્રાથમિકતા આપી છે. ત્યારે સવાલ એ પણ છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ શું આનું પુનરાવર્તન થવાનું છે?
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના મત ગણિતર અલગ-અલગ હોય છે. પરંતુ 27 રાજ્યોની વિધાનસભાના મતદાનના આંકડા જણાવે છે કે ભાજપ કોંગ્રેસ કરતા આમા પણ આગળ રહ્યું છે. કોંગ્રેસના મતોમાં 2014ની લોકસભાની ચૂંટણીની સરખામણીએ વધારો પણ થયો છે. પરંતુ તેમ છતાં તે ભાજપથી પાછળ જ રહી ગઈ છે. આ રાજ્યોમાં ભાજપના વોટમાં થોડોક ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ 2014 બાદ યોજાયેલી 27 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતા 25 ટકા વધુ વોટ મળ્યા છે.
2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપને દેશભરમાં 16.95 કરોડ એટલે કે 31 ટકાથી વધારે વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 2014ની લોકસભાની ચૂંટણીમાં દેશભરમાંથી 10.6 કરોડ એટલે કે 20 ટકાથી ઓછા વોટ મળ્યા હતા. 2014ની લોકસભાની ચૂંટણી બાદ યોજાયેલી 27 રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને 15.5 કરોડથી વધારે એટલે કે 28.5 ટકા વોટ પ્રાપ્ત થયા હતા. જ્યારે કોંગ્રેસને 12.2 ટકાથી થોડાક ઓછા એટલે કે 22.2 ટકાથી ઓછા વોટ પ્રાપ્ત થયા હતા.
ભાજપ Vs. કોંગ્રેસ
ચૂંટણી પક્ષ વોટ વોટની ટકાવારી
લોકસભા-2014 ભાજપ 16.95 કરોડ 31 ટકાથી વધારે
લોકસભા-2014 કોંગ્રેસ 10.6 કરોડ 20 ટકાથી ઓછા
27 રાજ્યોની વિ.સભા ભાજપ 15.5 કરોડ 28.5 ટકા
27 રાજ્યની વિ.સભા કોંગ્રેસ 12 કરોડથી ઓછા 22.2 ટકા
2014ની લોકસભાની ચૂંટણી અને તેના પછી યોજાયેલી 27 વિધાનસભા ચૂંટણીઓના આંકડા જણાવી રહ્યા છે કે 3.3 કરોડથી વધારે એટલે કે 6 ટકા જેટલા મતદાતાઓએ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપને વધુ પ્રાથમિકતા આપી છે. જો કે આ આંકડાની સરખામણી201ની લોકસભા ચૂંટણી સાથે કરવામાં આવે, તો ભાજપને આ 27 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં 90 લાખથી વધારે મતોનું નુકસાન થવાની વાત સામે આવી હતી. જ્યારે કોંગ્રેસને 200 લાખ વોટર્સ એટલે કે બે કરોડ વોટર્સનો ફાયદો થયો છે. બીજા શબ્દોમાં કહીએ તો 2014ની લોકસભાની ચૂંટણીઓમાં જ્યાં આ રાજ્યોમાં ભાજપને 16.4 કરોડ વોટ મળ્યા હતા. વિધાનસભાની ચૂંટણીઓમાં તેને 15.5 કરોડ વોટ જ મળ્યા હતા. જ્યારે 2014માં લગભગ 10 કરોડ મતની સરખામણીએ વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને 12.2 કરોડ વોટ પ્રાપ્ત થયા હતા.