અમદાવાદઃ વલસાડની કુસુમ વિદ્યાલયમાં ગત સોમવારે યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ વિષય પર ગાંધીજીની નિંદા કરનારા તથા ગોડસેને હીરો તરીકે ચિતરનારા બાળકને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાયો હતો. જેને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર આઝાદીનો ઇતિહાસ બદલવા માંગે છે જેથી વલસાડની સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધામાં ગોડસેનો વિષય રાખીને ગોડસેને હીરો બતાવવામાં આવ્યો છે. આટલી મોટી ઘટનાને લઈને મુખ્યમંત્રી ચૂપ છે અને સરકાર પણ ચૂપ છે. ગાંધીજીના હત્યારાને હીરો બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં બાળકોના વિચાર બદલવા પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
વલસાડની કુસુમ વિદ્યાલયમાં યોજાયેલી એક વકતૃત્વ સ્પર્ધામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા ગોડસે મામલે ‘મારો આદર્શ નથ્થુરામ ગોડસે’ વિષય રાખતા વિવાદ સર્જાયો છે. જોકે, આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપ્યા હતા પણ આ ઘટનાથી ગાંધી વિચારોમાં માનનારા ગાંધીવાદીઓમાં નારાજગી જોવા મળી છે. આ મામલામાં સરકાર ગંભીરતાથી નોંધ લઈ જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઊઠી છે.
ગાંધીના ગુજરાતમાં જ ગાંધીના વિચારોને ફેલાવવાની જગ્યાએ નથ્થુરામ ગોડસેને આદર્શ ચિતરવાના પ્રયાસ થઈ રહ્યા છે. તેની સામે ગાંધીવાદીઓએ નારાજગી વ્યક્ત કરી છે. વર્ષોથી ગાંધી આશ્રમમાં રહેતા અને ગાંધી વિચારોનો પ્રચાર પ્રસાર કરતા ગાંધીવાદી ધિમંત બઢિયાએ જણાવ્યું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. જેતે ડિપાર્ટમેન્ટની આ જવાબદારી બને છે જેમણે આ વિષય રાખ્યો છે. જેણે પણ આ વિષય રાખ્યો હોય તે જવાબદાર કર્મચારી કે અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ. આજે દુનિયા આખી ગાંધીજીને માને છે. તેમના વિચારોને અનુસરે છે. કુમળા બાળકોને ખ્યાલ ન હોય કે, ગોડસે કોણ હતો અને ગાંધીજી કોણ હતા.