અમદાવાદઃ રાજ્યમાં હાલ અમદાવાદ સહિતના શહેરોમાં હાલ મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની પસંદગીને લઈને ભાજપમાં કવાયત ચાલી રહી છે. આ ઉપરાંત નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં પણ પદાધિકારીઓની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે, દરમિયાન ભાજપાએ હોદ્દેદારોની પસંદગીમાં નો રિપીટ થિયરી અપનાવવાનો નિર્ણય લીધો છે. જેથી યુવાનોને વધારેમાં વધારે તક મળશે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 90 ટકાથી વધારે બેઠકો ભાજપાએ જીતી હતી. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈ સી આર પાટીલના જણાવ્યા અનુસાર નો રિપીટ થિયરીનો ઉપયોગ કરીને નવા કાર્યકરોને તક આપવામાં આવશે. જેથી 1500 જેટલા પદ ઉપર નિયુક્તિ કરવામાં આવશે. જેથી તેમનામાં રહેલા ટેલેન્ટનો ઉપયોગ લોકહિતમાં થાય.
અમદાવાદમાં નવા મેયરની પસંદગીને લઈને ભાજપા દ્વારા કવાયત કરવામાં આવી રહી છે. હાલ મનપામાં ભાજપાનું શાસન છે. મેયર કિરિટ પરમારનો અઢી વર્ષનો કાર્યકાળ પુરો થતો હોવાથી નવા મેયરની પસંદગીની કવાયત ભાજપા દ્વારા કરવામાં આવી રહી છે. મેયરનું પદ હવે મહિલા માટે અનમાત છે. જેથી હાલ ચાર મહિલા કોર્પોરેટરના નામ આગળ છે. જો કે, હવે ગણતરીના દિવસોમાં જ અમદાવાદ શહેરને નવા મહિલા મેયર મળશે.
અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં મેયર અને અન્ય પદાધિકારીઓની ચૂંટણી કરવા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં 11 સપ્ટેમ્બરે સવારે 11કલાકે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં નવા પદાઅધિકારીની વરણી કરવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તારીખ 12 સપ્ટેમ્બરના રોજ મળનારી જનરલ બોર્ડમાં મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી કરવામાં આવશે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તારીખ 12મી સપ્ટેમ્બરે જનરલ બોર્ડ મળે તેવી સંભાવના છે.