Site icon Revoi.in

ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીમાં ત્રિપાખિયો જંગ ખેલાશે તો ભાજપને ફાયદો થશે

Social Share

ભરૂચઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ તો ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ભાજપના કબજામાં છે. જેમાં આ વખતે એક માત્ર ભરૂચની બેઠક કાંટે કી ટક્કર બને તેવી શક્યતા હતી, કારણે આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી સમાજના લોકપ્રિય ગણાતા ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચની બેઠક પરના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવતા ભાજપ માટે કપરા ચડાણ બન્યા હતા. કારણ કે કાંગ્રેસ અને આપ વચ્ચે જોડાણ થાય તો મુખ્ય મુકાબલો આપ અને ભાજપ વચ્ચે રહે એવું લાગતું હતું, પણ કોંગ્રેસ દ્વારા પણ ભરૂચની બેઠક માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે પણ આ બેઠક માટે દાવો કર્યો છે. ત્યારે આ બેઠક પર જો ત્રિપાંખિયો જંગ ખેલાશે તો અંતે ભાજપને જ ફાયદો થશે. કારણ કે સત્તાવિરોધી મતોમાં વિભાજન થશે,

સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં નર્મદાના દેડીયાપાડામાં APMC ખાતે કોંગ્રેસ દ્વારા ફૈઝલ પટેલની આગેવાનીમાં આદિવાસી જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સાથે પ્રદેશ આદિવાસી કમિટીના આધ્યક્ષ ધારાસભ્ય અનંત પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ, મહિલા આગેવાન જેરમાબેન વસાવા, ડેડીયાપાડા કોંગ્રેસ પ્રમુખ વનરાજ વસાવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. હાલ 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેને લઈ આદિવાસી પટ્ટી અંબાજીથી ઉમરગામ સુધીની સીટો પર તમામ પક્ષોની નજર છે. જેમાં સૌથી હોટફેવરિટ સીટ છે ભરૂચની. જે સીટ પર ભાજપ કોંગ્રેસ અને આપનો ત્રીપાખીયો જંગ ખેલાશે

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભરૂચ લોકસભા 2024માં કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ફૈઝલ પટેલ કે મુમતાઝ પટેલ લડે એવી શક્યતા છે. ડેડીયાપાડાના કોંગ્રેસના કાર્યક્રમ પરથી એક એવો અંદાજો આવે છે કે, કોંગ્રેસના ઉમેદવાર ફૈઝલ પટેલ હોઈ શકે છે. જોકે તેમણે આ બાબતે સ્પષ્ટતા કરી નથી. પરંતુ હું તો લડીશના બેનરો અને ફેઝલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે. આ કોંગ્રેસી કાર્યકરોના નારાને લઈને શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ભરૂચ લોકસભા સીટ પર સ્વ.અહેમદ પટેલ ચૂંટણી લડ્યા હતા, એટલે હવે તેમના સંતાનોની ઉમેદવારી કરે એવી કોંગ્રેસ આગેવાનો ઈચ્છા કરી રહ્યા છે. એક બાજુ આમ આદમી પાર્ટીએ પોતાનો સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યો છે. હવે જો કોંગ્રેસે પણ ભરૂચ લોકસભાની સીટ પર ફૈઝલ પટેલને ઉતારવાનું નક્કી કર્યું હોય તો ગઠબંધન થવું અશક્ય છે. જો ગઠબંધન ના થાય તો સીધો ફાયદો ભાજપને થાય એ વાત નક્કી છે.

આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ચૈતર વસાવા હાલ લોકસભાની ચૂંટણી લડવાના છે. ધારાસભ્ય ચૈતર વસાવાની જાહેરાત અંગે ફૈઝલ પટેલે કહ્યું એ તેમની પાર્ટીનો વિષય છે. જ્યારે ઇન્ડીયા ગઠબંધનમાં જે નક્કી કરશે તેં જ ઉમેદવાર રહેશે. હાલ તો અમે પણ ઇચ્છીએ છીએ કે આ સીટ પર કોંગ્રેસ પણ લડે. જોકે આટલી મોટી જનમેદની ભેગી થતા એવું પણ લાગી રહ્યું છે કે, આદિવાસીઓ હવે કોંગ્રેસ તરફ વરી રહ્યા છે અને આદિવાસીઓના કામ કરે એવા લોકોને શોધી રહ્યા છે. ભાજપમાંથી  છ ટર્મથી જીતતા સાંસદ મનસુખ વસાવા પ્રબળ દાવેદાર છે.