પીએમ મોદીના નેતૃત્વમાં 2024ની ચૂંટણીમાં ભાજપને 350થી વધુ બેઠકો મળશેઃ જાવડેકર
દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના સભ્ય પ્રકાશ જાવડેકરે શુક્રવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં 350થી વધુ બેઠકો મેળવશે અને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ની સંયુક્ત સંખ્યા 400 થી વધુ હશે.
તેમણે મોદી સરકારની નવ વર્ષની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો અને મીડિયાને સંબોધતા કહ્યું કે આ સરકારે ભારતને સ્થિરતા અને વિકાસની સાથે ગરીબોનું કલ્યાણ પણ કર્યું છે.
તેમણે કહ્યું, “વડાપ્રધાન મોદીમાં લોકોનો વિશ્વાસ અમારી સૌથી મોટી તાકાત છે અને અમને વિશ્વાસ છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 350થી વધુ અને NDAને 400થી વધુ સીટો મળશે,” જાવડેકરે કહ્યું કે મોદીના નેતૃત્વમાં દેશે સકારાત્મક વિકાસની રાજનીતિ જોઈ છે.
હાલ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થતાં રાજયભરમાં જનસંપર્ક અભિયાન દ્વારા ઉજવણી ચાલી રહી છે. આ નવ વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરાયેલી કામગીરી અંગે લોકોને માહિતી આપવામાં આવી રહી છે. આ અગાઉ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ગુજરાતને દેશના વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું હતું.આમ, ભારતીય જનતા પાર્ટીના સભ્યો દ્વારા નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી કામગીરીથી લોકોને અવગત કરાવવામાં આવી રહ્યું છે.