રાજકોટના અગ્નિકાંડને લીધે ભાજપ ગુજરાતમાં વિજ્યોત્સવ નહીં મનાવે, પ્રદેશ ભાજપે આપી સુચના
અમદાવાદઃ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડે 27નો ભાગ લીધો છે. આ દુઃખદ ઘટનાના રાજ્યભરમાં પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે. કે, લોકસભાની ચૂંટણીમાં 4થી જુનને મંગળવારે મતગણતરી થશે. ચૂંટણીના પરિણામોમાં રાજકોટના અગ્નિકાંડને લીધે ભાજપ દ્વારા વિજ્યોત્સવ મનાવવામાં નહીં આવે. આગેવાનો અને કાર્યકર્તાઓને વિજય રેલીઓ ન યોજવા તેમજ ફટાકડા ન ફોડવા. અને મીઠાંઈ પણ ન વહેચવા સુચના આપવામાં આવી છે.
રાજકોટના TRP ગેમ ઝોનમાં તાજેતરમાં થયેલા અગ્નિકાંડમાં 27 નિર્દોષના જીવ ગયા છે. આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ દોડી ગયા હતા. આ ઘટનામાં તમામ જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવાની ખાતરી આપીને મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો હતો. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૃતકોને શ્રદ્ધાજંલિ આપીને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો તેમજ વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ તા. 4થી જુનને મંગળવારે જાહેર થશે. તેથી પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટના અગ્નિકાંડને લીધે વિજ્યોત્સવ ન મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ દ્વારા સંગઠનના આગેવાનોને મોકલેલા પત્રમાં જણાવાયું છે કે, લોકસભાની ચૂંટણીની મતગણતરી 4થી જુનના રોજ થશે. આ સંદર્ભમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ, સંગઠનના મહામંત્રી રત્નાકરજી દ્વારા આજે વર્ચ્યુઅલ બેઠક દ્વારા મત ગણતરી અંગે માર્ગ દર્શન અને સુચનાઓ આપવામાં આવી છે. જેમાં રાજકોટમાં બનેલી દુઃખદ ઘટનાને લીધે મતગણતરીના દિવસે વિજયને સંયમતાથી અત્યંત સાદગીથી વધાવવા વિનંતી કરી છે. અને મતગણતરી સ્થળ બહાર, કાર્યાલય ખાતે તેમજ અન્ય જાહેર સ્થળે ફટાકડા ફોડવા નહીં. મીઠાઈની વ્યવસ્થા રાખવી નહીં અને એકબીજાને મીઠાઈ ખવડાવવી નહીં. ફૂલની પાંદડી અને ગુલાલ ઉડાવીને અભિવાદન કરવું નહીં. તેમજ કાર્યકરો ટોપી, ખેસ પહેરીને હાથમાં પાર્ટીના ઝંડા સાથે ભારત માતા કી જયના સૂત્ર સાથે વિજયને આવકારે. મતગણતરી બાદ વિજેતા ઉમેદવારે ખુલ્લી જીપ કે વાહનમાં વિજય સરઘસ કે રેલી કાઢવી નહીં અને ઢોલ-નગારા કે ડીજે સાઉન્ડની વ્યવસ્થા કરવી નહીં. કાર્યાલયમાં રોશની અને સુશોભન કરવું નહીં. તથા વિજય થઈ ગયા પછી સન્માન સમારોહ પણ ટાળવાની સુચના આપવામાં આવી છે.