ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં નવા માપદંડો અનુસાર ભાજપ કરશે ઉમેદવારોની પસંદગી ?
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. દરમિયાન કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી ભાજપે નવા માપદંડ અનુસાર કરતા અસંતોષ સામે આવ્યો હતો. જેથી ભાજપ દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં પણ આવી જ રીતે પસંદગી કરવામાં આવશે તેમ સિનિયર નેતાઓ દ્વારા નારાજ આગેવાનોને સમજાવવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ભાજપ દ્વારા કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીના નવા માપદંડ જાહેર કરાયા હતા. જે અનુસાર 60 વર્ષથી વધુની ઉંમરના નેતાઓને ટિકીટ નહીં આવનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 3 ટર્મથી ચૂંટણી લડતા નેતા અને નેતાઓના સંબંધીને પણ ટિકીટ નહીં આપવનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ માપદંડ અનુસાર ભાજપ દ્વારા અમદાવાદ સહિત છ મનપામાં ઉમેદવારોની પંસદગી કરવામાં આવી હતી. જેથી ભારે નારાજગી સામે આવી છે.
ભાજપ દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ પ્રકારની ફોર્મ્યુલા અપનાવાશે. જેના કારણે હાલ જે સિનિયર મહાપાલિકા કક્ષાએ અને જિલ્લા અને તાલુકા પંચાયત કક્ષાએ ટીકીટ મેળવી શકે તેમ નથી તેઓ તમામને માટે 2022ની ધારાસભા ચૂંટણીમાં તક રહે છે. હાલના સિનિયર ત્રણ ટર્મથી ધારાસભા કે લોકસભામાં બિરાજતા અને જેઓ 60 વર્ષથી ઉપરના થયા છે તેઓને પણ 2022માં ચૂંટણી લડવાની તક મળશે નહી. ભાજપના અનેક ટોચના નેતાઓ હાલ નારાજ હોવાનું જાણવા મળે છે.