Site icon Revoi.in

વિધાનસભાની આગામી ચૂંટણીમાં પાટિદારોના મત ખેંચવા ભાજપ PASSને પોતાની તરફેણમાં કરશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા તો મહિનાઓ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટીને ભાજપની બી પાર્ટી ગણવામાં આવે છે. સુરત સિવાય રાજ્યમાં આમ આદમી પાર્ટીથી ફાયદો ભાજપને થવાનો છે, એવું કહેવામાં આવી રહ્યું છે. કારણ કે, સત્તા વિરોધી મત આમ આદમી અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ જવાની શક્યતા છે. તેનો સીધો લાભ ભાજપને થશે. પરંતુ સુરતમાં પાટિદાર મતદારોનો ઘણી બેઠકો પર પ્રભાવ છે. એટલે પાટિદારો બહુમત બેઠકો જીતવા ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલે પાટિદાર અનામત આંદોલન સમિતી (પાસ)ને રિઝવીને ભાજપ તરફી કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં પાટિદાર ઉદ્યોગપતિઓ, બિલ્ડર્સનો પણ સાથ સહકાર લેવામાં આવી રહ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ બાદ ભારતીય જનતા પાર્ટી માટે હવે આમ આદમી પાર્ટીને હાસ્યામાં ધકેલવાની રાજકીય પ્રવૃત્તિ શરૂ થશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આમ આદમી પાર્ટી  ભાજપને નુકસાન ન કરે એ માટેની રણનીતિ તૈયાર કરાશે, જેમાં મુખ્ય મુદ્દો પાટીદાર અનામત આંદોલન સમિતિનો રહેશે. સુરતમાં  AAPને પછાડવા PAASને ભાજપ તરફ કરવાની ભાજપની રણનીતિ રહેશે. ગુજરાતમાં સૌથી વધારે સક્રિય આમ આદમી પાર્ટી સુરત શહેરમાં જોવા મળે છે. સુરતમાં વિરોધપક્ષ તરીકે આમ આદમી પાર્ટી પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહી છે, ત્યારે સુરત શહેરની કુલ 12 જેટલી વિધાનસભામાં આમ આદમી પાર્ટી સારો દેખાવ ન કરે એના માટેની તમામ તૈયારી ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવશે. વિશેષ કરીને મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાટીદાર અનામત આંદોલન સમિતિનો સહયોગ મળતાં જે વિસ્તારમાં પાટીદાર મતદારોની સંખ્યા વધુ છે એ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર ચૂંટાયા છે.

સૂત્રઓએ વધુમાં જણાવ્યું હતું કે, પાટીદારોના સમર્થનથી આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે કોર્પોરેશનમાં બેઠી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આમ આદમી પાર્ટીને વિધાનસભામાં પણ જો સમર્થન મળે તો વરાછા, કામરેજ, કરંજ અને કતારગામ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીને લાભ થઈ શકે એમ છે. આ ગણિતથી ભારતીય જનતા પાર્ટી પણ સારી રીતે વાકેફ છે, તેથી પાસના મુખ્ય ચહેરા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને ભારતીય જનતા પાર્ટી પોતાની તરફ લાવવાનો પ્રયાસ કરાશે. સુરત શહેરની વિધાનસભાની બારેબાર બેઠકો ફરી એકવાર હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ પાટીદારોને ખુશ કરવાના તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે.