અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં અમદાવાદમાં પશ્વિમ અને પૂર્વની બેઠક પર ભાજપની જીત થઈ છે. શહેરના પશ્વિમની અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત પર દિનેશ મકવાણા 2.84 લાખથી વધુ મતોથી વિજય બન્યા છે. જ્યારે શહેરના પૂર્વની બેઠક પર હસમુખ પટેલ 4 લાખથી વધુ મતોથી જીત મેળવી છે.
અમદાવાદ શહેર ભાજપનો ગઢ ગણાય છે. વર્ષ 2008માં થયેલા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી અમદાવાદ વેસ્ટ બેઠક પર યોજાયેલી ત્રણ ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. 2008ના સીમાંકન પહેલાં અમદાવાદ વેસ્ટ બેઠક ન હતી પરંતુ, અમદાવાદ બેઠક હતી. અમદાવાદનો શહેરી વિસ્તાર આ બેઠકનો મતવિસ્તાર છે. 2009થી ભાજપના કિરીટ સોલંકી અહીંથી સાંસદ તરીકે સતત ચૂંટાતા રહ્યા હતા ત્યારે આ વખતે પણ આ બેઠક પર ભાજપે પોતાની જીત જાળવી રાખી છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાની 2.84 લાખથી વધુની લીડથી જીત થઈ છે પરંતુ, ગત ટર્મની લીડ કરતાં 30000 લીડ ઘટી છે. ગત ટર્મના ભાજપના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીની 3.21 લાખની અંદાજિત લીડ હતી.
જ્યારે અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપની જીત છે. ભાજપના હસમુખ પટેલ 4 લાખથી વધુ મતની લીડ વિજય બન્યા છે. આ બેઠક પર કોંગ્રેસના હિંમતસિંહ પટેલની 3,03,111 મત સાથે હાર થઈ છે. અમદાવાદ પૂર્વ બેઠક પર 26 રાઉન્ડના અંતે ભાજપની 4,57,881 મતની લીડથી જીત થઈ હતી. જીત નિશ્ચિત થતાં પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ મીડિયા રૂમમાં પહોંચ્યા હતા અને તેમણે મતદારોનો જાહેર આભાર માન્યો હતો.
અમદાવાદ ઈસ્ટ લોકસભા બેઠક પર ભાજપે 2019ના સાંસદ હસમુખ પટેલને રિપીટ કર્યા છે. 2019માં તેઓ કોંગ્રેસનાં ઉમેદવાર ગીતા પટેલ સામે 4,34,330 મતની લીડથી જીત્યા હતા. જ્યારે કોંગ્રેસે અમદાવાદના પૂર્વ મેયર અને બાપુનગર બેઠકના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલને તક આપી છે. હિંમતસિંહ પટેલ 2014માં પણ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.