વલસાડ: જિલ્લાના વાપી પાલિકાની ચૂંટણીમાં ભાજપે હેટ્રીક વિજય નોંધાવ્યો છે, 44 બેઠકોમાંથી 37 બેઠકો કબજે કરી છે. જ્યારે કોંગ્રેસને સાત બેઠકો મળી છે. અને આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ થયા છે. વાપી નગરપાલિકામાં ભાજપે એક તરફી જીત મેળવતા 44માંથી 37 બેઠકો પર કબજો કર્યો છે. તો 7 બેઠકો સાથે કૉંગ્રેસે જીતીને ફરી વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. જ્યારે 22 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારનાર આપનો એકપણ ઉમેદવાર જીત મેળવી શક્યો નથી. વોર્ડ નંબર 5માંથી ચૂંટણી લડનાર શહેર ભાજપના મહામંત્રીએ હારનો સામનો કરવો પડ્યો છે.
વાપી પાલિકાની કુલ 44 બેઠકોની ચૂંટણીમાં એક બેઠક (સુલપડ) અગાઉ બિનહરીફ થઇ હતી, બાકી 43 બેઠક માટે 109 ઉમેદવારોનાં ભાવિ રવિવારે મતદારોએ ઇવીએમમાં સિલ કર્યાં હતાં. 51.87 ટકા જેટલું નીરસ મતદાન નોંધાયું હતું. ત્યારબાદ આજે સવારે મતગણતરીનો પ્રારંભ થતા જ શરૂઆતથી જ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. વાપી પાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો ઝળહળતા વિજય બાદ સીઆર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની જોડીને વાપીની જનતાએ વધાવી લીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
વાપી નગર પાલિકાની મતગણતરીની શરૂઆતમાં જ વૉર્ડ નંબર 1 અને 7માં ભાજપની પેનલ આગળ રહી હતી. વાપી નગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામમાં મોટાભાગની બેઠકોનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. 12 વાગ્યા સુધીમાં 11 વોર્ડની કુલ 44માંથી 37 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો અને વિજય રથ આગળ વધી રહ્યો હતો. વાપી નગરપાલિકાની ચૂંટણીમાં કુલ પાંચ વોર્ડમાં ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી. ગત ટર્મમાં 44માંથી 41 બેઠક ભાજપ પાસે હતી.
વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. 129 બુથો પર થયેલા મતદાનની 22 રાઉન્ડમાં ગણતરી થઈ હતી.. મતગણતરી કેન્દ્ર પર 200 પોલીસકર્મીઓની ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો.
વાપી નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાતા શરૂઆતથી જ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો જે પરિણામોના અંત સુધી કાયમ રહ્યો હતો. 11 વોર્ડની ચૂંટણીમા વોર્ડ નંબર 5 અને 6ને બાદ કરતા બાકીના તમામ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે. જ્યારે કૉંગ્રેસની પેનલ એકમાત્ર વોર્ડ નંબર 6માં આવી છે. વોર્ડ નંબર 5માં કૉંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવારનો વિજય થયો છે.