Site icon Revoi.in

હરિયાણામાં ભાજપાએ હારેલી લડાઈ જીતીઃ શિવસેનાના નેતા સંજ્ય રાઉત

Social Share

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણી જીતીને ભાજપે તમામ એક્ઝિટ પોલને ખોટા સાબિત કર્યા છે એટલું જ નહીં તેના વિરોધીઓને પણ ચોંકાવી દીધા છે. શિવસેના યુબીટીના નેતા સંજય રાઉત પણ હરિયાણામાં ભાજપની અણધારી જીતથી આશ્ચર્યચકિત છે અને ભગવા પાર્ટીના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા નથી.

સંજય રાઉતે જણાવ્યું હતું કે, ‘બંને રાજ્યો (હરિયાણા અને જમ્મુ-કાશ્મીર)નું પોત-પોતાનું મહત્વ છે, પરંતુ ભાજપ માટે જમ્મુ-કાશ્મીર વધુ મહત્ત્વનું હતું. તેઓ જ્યાંથી કલમ 370 હટાવી ત્યાંથી હારી ગયા. હરિયાણામાં વિપક્ષી ગઠબંધન જીતી શક્યું નથી કારણ કે કોંગ્રેસને લાગ્યું હતું કે તે પોતાના દમ પર જીતી શકે છે અને તેને સત્તામાં કોઈ સહયોગીની જરૂર નથી. કોંગ્રેસના નેતા હુડ્ડા જીને લાગ્યું કે તેઓ જીતશે. જો તેમણે સમાજવાદી પાર્ટી, AAP કે અન્ય નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું હોત તો પરિણામ અલગ હોત. ભાજપે જે સ્તરે ચૂંટણી લડી તે પ્રશંસનીય છે. ભાજપે હારેલી લડાઈ જીતી લીધી છે.

હરિયાણામાં હાર બાદ વિપક્ષી ગઠબંધનમાં તેની સહયોગી ટીએમસીએ કોંગ્રેસની ટીકા કરી છે. કોંગ્રેસનું નામ લીધા વિના ટીકા કરતા ટીએમસી સાંસદ સાકેત ગોખલેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કોંગ્રેસની રણનીતિની ટીકા કરી છે.