ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાનમાં ભાજપના કાર્યકરો જોડાયાં, 2523 જેટલા હેલ્પ ડેસ્ક કાર્યરત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને ડામવા માટે ઝડપથી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દરરોજ બે લાખથી વધારે લોકોને રસી આપવાના લક્ષ્યાંક સાથે આરોગ્ય વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે. હાલ રાજ્યમાં 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. રસીકરણ અભિયાન વધુ તેજ બને તે માટે હવે ભાજપ પણ આગળ આવ્યું છે. તેમજ ભાજપના નેતાઓ અને કાર્યકરો મળીને લગભગ 1.86 લાખ લોકો રસીકરણ અભિયાનમાં જોડાયાં છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. વિશ્વના વિકસીત અને સમૃદ્ધ દેશોમાં મૃત્યુદર ઉંચો છે. જ્યારે કેન્દ્ર સરકારના અસરકારક નિર્ણયોથી ભારતમાં મૃત્યુઆંક ઓછો છે. ભાજપના 1.86 લાખ કાર્યકરો રસીકરણ અભિયાનમાં જોડાયાં છે. ભાજપાની પેજ કમિટી અને પેજ પ્રમુખો માત્ર રાજકીય વ્યવસ્થા કે ચૂંટણીલક્ષી કાર્યો માટે જ નહી પરંતુ સામાજીક વ્યવસ્થામાં ઉપયોગી કાર્યો કરી સમાજ જીવન સાથે ઉભા છે. કોરોના રસીકરણ માટે 4500 બુથ ઉભા કરવામાં આવ્યાં છે. જેઓ જનતાને કોરોના રસી માટે મદદ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સરકારી હોસ્પિટલો સહિત 2500થી વધારે કેન્દ્રો ઉપર રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના રાજકીય આગેવાનો અને વિવિધ સમાજના અગ્રણીઓએ કોરોનાની રસી લીધી છે. તેમજ ગુજરાતની જનતાને કોરોનાને નાથવા માટે રસી લેવા માટે અપીલ કરી હતી. હાલ 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે.