અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશની જનતાને કોરોનાની રસી લેવા અપીલ કરી છે. ત્યારે હવે ભાજપ કોરોનાની રસીકરણમાં લોકોની મદદ માટે આગળ આવ્યું છે. ગુજરાતમાં ભાજપના કાર્યકરો હવે લોકોના ઘરે-ઘરે ફરશે અને કોરોના રસી માટે રજીસ્ટ્રેશનમાં મદદ કરશે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક મહામારી કોરોનાને મહાત કરવા હાલ ભારતમાં વિશ્ર્વના સૌથી મોટા રસીકરણનો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વસુધેવ કુટુમ્બકમની ભાવનાને ચરિતાર્થ કરીને વિશ્ર્વના 47 દેશોને ભારત દ્વારા કોરોનાની વેકસીન મોકલવામાં આવી છે. ગુજરાત રાજ્ય અને દેશ સંપૂર્ણપણે કોરોનામુક્ત બને તે માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સેવા હી સંગઠનના મંત્રને સાર્થક કરવા લોકોને કોરોનાની વેકસીન લેવા જાગૃત કરશે. તેમજ સરકાર અને પ્રજા વચ્ચે એક કડીરૂપ ભૂમિકા ભજવશે. આ માટે રાજકોટ શહેરમાં કોરોના વેક્સિનેશન માટે ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી છે. એટલું જ નહીં વોર્ડવાઈઝ ઈન્ચાર્જની પણ નિમણૂંક કરવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓ કોરોના વેક્સિનેશન માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે ઘરે ઘરે જઈ સંપર્ક કરશે અને લોકોને રજિસ્ટ્રેશન કરાવવામાં પણ મદદરૂપ થશે. વરિષ્ઠ નાગરિક તેમજ બિમાર વ્યક્તિને હોસ્પિટલ કે રસીકરણ કેન્દ્ર સુધી લઈ જવા અને પરત ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરશે. રસીકરણ કેન્દ્ર પર પિવાના પાણી સહિતની વ્યવસ્થામાં પણ ભાજપના કાર્યકર્તા મદદરૂપ થશે.