અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં યોજાશે. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી-2022માં યુપી સહિત અન્ય રાજ્યોની સાથે યોજવામાં આવે તો કેટલો ફાયદો મળી શકે તેમ છે,તે અંગે ભાજપમાં વિચારણાનો દોર શરૂ થયો હોવાનું કહેવાય છે. કારણ કે, પ્રદેશ કોંગ્રેસમાં પ્રભારી નથી કે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના નામ નક્કી કરી શકાતા નથી,અને જુથબંધીને લીધે કોંગ્રેસની નેતાગીરી વેરવિખેર છે. જ્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં વધુ સમય આપવો પરવડી શકે તેમ નથી. આથી ભાજપના કેટલાક અગ્રણી નેતાઓએ હાઈકમાન્ડ સમક્ષ ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજવામાં આવે તો ભાજપને ફાયદો થઈ શકે તેમ હોવાની વાત વહેતી મુકી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ભાજપની સરકારમાં હવે કોઇ નેતૃત્વ પરિવર્તન નહીં આવે કે ન તો મંત્રીમંડળમાં વિસ્તરણની કોઇ શક્યતા જણાય છે. હવે ગુજરાત ભાજપ અને રાજ્ય સરકાર વિધાનસભાના વહેલા વિસર્જનના મૂડમાં છે. હાલ ગુજરાતમાં ચાલી રહેલાં રાજકીય પ્રવાહોને લઇને ગુજરાતમાં ચૂંટણીઓ વહેલી આવી શકે છે.
ભાજપના સૂત્રોના કહેવા મુજબ આ ચૂંટણીઓ ઉત્તરપ્રદેશમાં આવી રહેલી ચૂંટણીની સાથોસાથ જ યોજાઇ શકે છે. આ જોતાં ગુજરાતમાં વર્તમાન સરકાર રાજીનામું આપીને આવતાં ફેબ્રુઆરી માર્ચ મહિનામાં વિધાનસભાની ચૂંટણી સમય કરતાં સાત કે આઠ મહિના વહેલી યોજાઇ શકે છે. આ કરવા માટેના રાજકીયથી માંડીને પક્ષના આંતરિક કારણો પણ જવાબદાર છે. તે સિવાય ઉત્તરપ્રદેશમાં ભાજપના પરિણામ સારાં ન આવે તો ગુજરાત પર પણ અસર પડી શકે. હાલ ભાજપ જે રીતે ચૂંટણી માટેની તૈયારી કરી રહ્યું છે તે તે મુજબની છે કે છ મહિનાના સમય પછી તરત જ ચૂંટણી જાહેર થઇ જશે. આમ તો ભાજપ ચૂંટણી માટેની તૈયારીઓ એક વર્ષ કે વધુ સમય પહેલા કરતું હોય છે, પરંતુ આ વખતે થોડુંક ચિત્ર અલગ છે. ચૂંટણીના સંદર્ભે અનેક નેતાઓને પ્રવાસ કરવાથી માંડીને સર્વે સહિતની તમામ કામગીરી પણ સોંપાઇ ગઇ છે.
ગુજરાતમાં ગત જૂન મહિનાથી જ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ખાસ કરીને ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીમાં મિશન 150 પાર પાડવા સંગઠનમાં ફેરફારો કરવાથી લઈ જનતા સુધી જવા માટે કાર્યકરો અને આગેવાનોને આદેશો કરી રહ્યો છે. જ્યારે પ્રદેશ પ્રમુખ પાટીલ પણ સંગઠનને વધુ મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. જેના ભાગરૂપે બુધવારે મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો.દીપિકાબેન સરડવા દ્વારા મહિલા મોરચાના પ્રદેશ કારોબારી,પ્રદેશ આમંત્રિત અને પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા કુલ 162 સભ્યોની પ્રદેશ કારોબારી જાહેર કરવામાં આવી છે.