Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં અંગુઠા છાપ ઉમેદવારોને ટિકિટ ન આપવા ભાજપની વિચારણા

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવાથી દોઢ વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ કેવડિયા ખાતે ભાજપની ત્રિદિવસીય કારોબારીમાં મંથન ચાલી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રણ વખત ચૂંટણી લડી ચૂક્યા હોય અને 60થી વધુ ઉંમર હોય તોમને ટિકિટ આપવામાં આવી નહતી. જોકે વિધાનસભાની ચૂંટણીમાં આ નિયમ સાગુ નહીં પડે તેવી પ્રદેશ પ્રમુખ પાટિલે સ્પષ્ટતા કરી હતી. જોકે અંગુઠા છાપ એટલે કે ભણેલા નહોય તેવા ઉમેદવારોને ટિકિટ આપવામાં નહીં આવે એવો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાતમાં વિધાનસભાની  2022માં આવી રહેલી ચૂંટણીને ધ્યાને લઇને પ્રદેશ ભાજપે હાઇકમાન્ડના ઇશારે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતને મોટું હથિયાર બનાવ્યું છે. જો તેમ થશે તો ચૂંટણીમાં અભણ ઉમેદવારો પસંદ કરવામાં નહીં આવે.  રાજ્યમાં આવતા વર્ષે નવેમ્બર મહિનામાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અગાઉ જાહેર કરી ચૂકયાં છે કે વિધાનસભાની ચૂંટણી લડતા ઉમેદવારો માટે ઉંમરને કોઇ બાધ નથી. 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા લોકો ઉમેદવાર બની શકે છે પરંતુ હવે એક શરત નવી ઉમેરવામાં આવી રહી છે. રાજ્યમાં સ્થાનિક ચૂંટણીમાં જેવી લાયકાત હતી તેવી શિક્ષણની લાયકાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો માટે નિયત કરવામાં આવી રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે શિક્ષણ લીધા વિના કોઇનો ઉદ્ધાર થાય તેમ નથી તેથી અમારા પ્રદેશ પ્રમુખે એવું નક્કી કયુ છે કે કોઇને પણ ચૂંટણીમાં ટિકીટ જોઇતી હશે તો તે વ્યકિત ભણેલો હોવો જોઇએ. તેમણે શૈક્ષણિક કાર્યક્રમમાં પ્રવચન કરતાં કહ્યું હતું કે ઉમેદવાર ભણેલો હોવો જોઇએ તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ માને છે તેથી અમે સ્થાનિક ચૂંટણીમાં શિક્ષણ પર વધારે ભાર મૂકયો હતો અને હવે વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણીમાં પણ શૈક્ષણિક લાયકાતને જોવામાં આવશે. જો કે હજી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ જોગવાઇ અંગે કોઇ બયાન કયુ નથી