Site icon Revoi.in

ગુજરાતમાં મોઘવારી,બેરોજગારી જેવા મુદ્દાથી પ્રજાનું ધ્યાન ભટકાવવા ભાજપ પ્રયાસો કરે છેઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ દ્વારા મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે અમનવી તરકીબો અપનાવવામાં આવે છે. તાજેતરમાં રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવા મુદ્દા ઉઠાવવામાં આવે છે. ગુજરાતમાં 25 વર્ષથી ભાજપનું સાશન છે. મહાનગરોમાં ભાજપની સત્તા છે. સરકાર પાસે રોજગાર માટે યુવાનો આંદોલન કરે છે. યુવાનોને રોજગાર આપવાના બદલે મોટી મોટી જાહેરાત આપે છે. રોજગારી ના મળવાના કારણે યુવાન સ્વબળે લારી-ગલ્લા ચલાવે છે. લારી-ગલ્લાવાળા પાસેથી હપ્તા ઉઘરાવાય છે. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં કતલખાના કોની ભાગીદારી ચાલે છે. તે સૌ જાણે છે. ગુજરાતના એક-એક વ્યક્તિ રોજગાર ઝંખે છે. આવા મુદ્દાને લાવીને ભાજપ મોંઘવારી-બેરોજગારીના મુદ્દાથી ધ્યાન ભટકાવવા માગે છે. ભાજપના પ્રજા વિરોધી શાસનના કારણે મંદી-મોંઘવારીનો માર લોકો સહન કરી રહ્યા છે. 2014માં મોંઘવારીના નામે સૂત્રો આપવામાં આવ્યા હતા. પેટ્રોલ-ડીઝલનો ભાવ 100 ને આંબી ગયો છે. ડિઝલમાં 824 ટકા એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરાયો છે. 2014ની સરખામણીએ પેટ્રોલની એક્સાઇઝ ડ્યૂટીમાં 200 ટકાનો વધારો કરાયો છે. 100 દિવસમાં મોંઘવારી ઘટાડવવાના વાયદા સામે 7 વર્ષ થયાં તેમ છતાં મોંઘવારી વધી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તત્કાલિન  UPAની સરકારમાં રૂ.71ની કિંમતે પેટ્રોલ મળતું હતું. રાજ્યમાં 1 વર્ષમાં 8 હજારથી વધારે લોકોએ આત્મહત્યા કરી છે. સરકાર લોકોને સારું જીવન આપી શકી નથી. 1 વર્ષમાં ગુજરાતમાં 15 લાખ ગરીબો વધ્યા છે, જેમાં સૌથી વધુ ગુજરાતમાં બેરોજગારી છે. ભરતીના નામે જાહેરાત થાય છે. LRDમાં 10 હજારની જગ્યા માટે 12 લાખ લોકોએ અરજી કરી, જે બેરોજગારીનો દર બતાવે છે. યુવાનોને રોજગાર આપવાના બદલે ડ્રગ્સની બદી ગુજરાતમાં વધી છે. ગુજરાતના દરિયાકાંઠાથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવી રહ્યું છે, અને દરેક શહેરોમાં ડ્રગ્સ પહોંચે તે પ્રકારનું નેટવર્ક ચાલે છે.

તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં આવતીકાલ તા. 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી મંદી-મોંઘવારી સામે જનજાગૃતિ અભિયાન કરશે. જેમાં ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ કરાશે તથા સ્થાનિક લોકો પાસે જઈને પરિવારને શું તકલીફ છે તે જાણવામાં આવશે. આ માટે 52 હજાર જેટલા બુથ પર કોંગ્રેસના કાર્યકર્તા જશે. તમામ ધારાસભ્યો-સાંસદ સભ્યો અને મંત્રીઓના ઘરે જઈને કોંગ્રેસ આવેદન પત્ર આપશે.