1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોંગ્રેસના બે ધારાસભ્ય પર ભાજપની નજર, પાટિલની સાબરકાંઠાની મુલાકાત ટાણે જ જાહેરાત કરાશે
કોંગ્રેસના બે ધારાસભ્ય પર ભાજપની નજર, પાટિલની સાબરકાંઠાની મુલાકાત ટાણે જ જાહેરાત કરાશે

કોંગ્રેસના બે ધારાસભ્ય પર ભાજપની નજર, પાટિલની સાબરકાંઠાની મુલાકાત ટાણે જ જાહેરાત કરાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આઠેક મહિના જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સબળ ધારાસભ્યોને ભાજપમાં સમાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ભાજપ દ્વારા વીણી વીણીને કોંગી ધારાસભ્યોને ભાજપમાં ભેળવી સ્પર્ધા જ ખતમ કરી નાખવાની પોલિસી અપનાવવામાં આવી રહી છે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સાબરકાંઠાની બે દિવસની મુલાકાત દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના બે ધારાસભ્યો, સહકારી આગેવાનો, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 500 થી વધુ કાર્યકરોને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવી કોંગ્રેસની ‘ગેમ ઓવર’ કરવાનું આયોજન થઇ રહ્યાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ ભાજપની તરફેણમાં આવ્યા બાદ રાજ્યમાં ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીને વેગવંતી બનાવાઇ છે અને દરેક જિલ્લા – પ્રાંતમાં જે કોઇ પણ કોંગી અગ્રણી, હોદ્દેદાર, ધારાસભ્ય મતદારોમાં વજૂદ ધરાવે છે તેની યાદી તૈયાર કરી તેમને કેસરિયો પહેરાવી સ્પર્ધા જ ખતમ કરી નાખવા આયોજન બધ્ધ રીતે ભાજપ આગળ વધી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં મહદ્દઅંશે 6 તારીખે બે દિવસ સાબરકાંઠાના પ્રવાસે જવાના છે. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના બે ધારાસભ્યો, હિંમતનગર માર્કેટ યાર્ડ, સહકારી જીન, જિલ્લા સંઘમાં ઉચ્ચ સ્થાને બેઠેલા ડિરેક્ટરો, ચેરમેન, પૂર્વ જિ.પં. સમિતિના કોંગી અગ્રણી, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, કોંગી કાર્યકરો વગેરે મળી 500 થી વધુ વ્યક્તિઓની યાદી તૈયાર કરાઇ છે અને મોટાભાગે એક જાહેર કાર્યક્રમમાં તમામને ભાજપનો ખેસ પહેરાવી વિધિવત ‘ ભાજપમાં પ્રવેશ આપવામાં આવશે. ભાજપના ભરતી મેળાની કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠોકોરને પણ જાણ થઈ છે. ઠોકોરે જણાવ્યું હતું કે, જેમને જવું હોય તે જાય કોઈને રોકવામાં નહીં આવે.પણ જતા પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલાની શું હાલત છે, તે જોવું જોઈએ. કોંગ્રેસમાં કાર્યકરોથી લઈને નેતાઓને જે માન-સન્માન મળે છે, તેવું ભાજપમાં મળશે નહીં.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું વર્ચસ્વ સારૂએવું છે, તેને ખતમ કરી નાંખવા સાબરકાંઠા અને અરવલ્લીમાં ચૂંટણી પહેલા જ ભરતી મેળો યોજી ચૂંટણી પહેલા કોંગ્રેસને પૂરી કરી નાખવાનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે. ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક ભાજપ માટે બે દાયકાથી લોઢાના ચણા ચાવવા જેવી બની રહી હોવાથી જિલ્લાના એક માત્ર કોંગી ગઢના કાંગરા ખેરવવા કોંગી ધારાસભ્ય અશ્વિન કોટવાલને મનાવી લેવા પ્રયાસો થઇ રહ્યા છે. પરંતુ તેમના કટ્ટર હરીફ અને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા જૂથ દ્વારા અશ્વિન કોટવાલના ભાજપ પ્રવેશનો વિરોધ થઇ રહ્યો છે અને જાણવા મળી રહ્યા મુજબ સાંસદને ફરીથી ખેડબ્રહ્મા બેઠક પર વિધાનસભા ચૂંટણી લડી મંત્રી બનવાની ઈચ્છા છે.

સૂત્રોએ ઉમેર્યું હતુ કે, ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની હાજરીમાં બે દિવસ પૂર્વે યોજાયેલ બેઠકમાં ઉત્તર ગુજરાતના જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓને અગામી બે મહિનાનો કાર્યક્રમ આપી દેવાયો છે, જેમાં મહત્વના અને વિશિષ્ટ લોકોને ભાજપમાં જોડવાની વિસ્તારક યોજના અમલી બનાવવા અને પ્રદેશ પ્રમુખનો જિલ્લાવાર પ્રવાસ કાર્યક્રમ નક્કી કરવા નિર્ણય લેવાયો હતો. બેઠકમાં નક્કી થયા મુજબ 31 માર્ચ સુધી જાહેર દીવાલો પર કેસરીયા કમળનું પેઇન્ટીંગ, 5 એપ્રિલે સક્રિય સભ્યોને કાર્ડ વિતરણ, 6 એપ્રિલ ભાજપ સ્થાપના દિને પેઇજ સમિતિની બેઠકો અને ઘેર ઘેર પાર્ટીનો ધ્વજ લગાવવો તથા 1 લી મે ગુજરાત સ્થાપના દિને સ્વચ્છતા અભિયાન અને 1 થી 10 મે દરમિયાન પ્રાથમિક સંમેલનો યોજી બાઇક રેલી, સંતોની કાશીયાત્રા વગેરેના આયોજન કરવા સૂચના અપાઇ છે. ભાજપની તૈયારીઓ જોતા ચોમાસા પૂર્વે વિધાનસભા ચૂંટણીઓ યોજાઇ જાય તેવુ જણાઇ રહ્યુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code