Site icon Revoi.in

ભાજપનો કી વોટર્સ સંવાદ, મોદી ભારતને દુનિયામાં ત્રીજા નંબરની અર્થ વ્યવસ્થા બનાવી શકશેઃ નડ્ડા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7મી મેને મંગળવારના રોજ યોજાશે, અને રવિવાર સાંજથી પ્રચારના પડઘમ શાંત પડી જશે. એટલે છેલ્લી ઘડીના પ્રચાર માટે રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતના પ્રવાસે છે, ત્યારે શુક્રવારે  અમદાવાદમાં  વિવિધ વર્ગના સમર્થકોનો કી વોટર્સ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે  કોંગ્રેસ પાર્ટીને અમાવસ્યા સાથે સરખાવી હતી. તેમને ગુજરાતના વખાણ કરતા કહ્યું હતું કે, ગુજરાતે દેશને ઘણું બધું આપ્યું છે. દેશ અને દુનિયામાં ગુજરાતની છબી હમેશાથી અગ્રેસર, ભવ્ય અને વિકસિત ગુજરાત તરીકે રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાન નેતાઓ પણ ગુજરાતે જ આપ્યા છે. તદુપરાંત કોરોના કાળ દરમિયાન જ્યારે અન્ય દેશની જીડીપી નીચે જઈ રહી હતી અને લોકડાઉન લગાવવા માટે દુનિયાના વિકસિત દેશો વિચાર કરી રહ્યા હતા, ત્યારે ભારત સરકારે ત્વરિત નિર્ણય લઈને લોકડાઉન લગાવ્યું હતું. જીડીપી દરની ચિંતા કર્યા વગર દેશની જનતાને બચાવવાના પ્રયાસ કર્યા હતા.

અમદાવાદમાં ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે યોજાયેલી કી વોટર્સ સંવાદના કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ વિપક્ષની ટીકા કરતા જણાવ્યું હતું કે,  ભારતીય જનતા પાર્ટી દેશ માટે પૂર્ણિમા છે, જ્યારે અન્ય પાર્ટીઓ તેમાં પણ ખાસ કરીને કોંગ્રેસ અમાવસ્યા છે. જે દેશને અંધકાર તરફ લઈ જાય છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે, એટલે ભારત દેશ-દુનિયામાં ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બની જશે. વડાપ્રધાન મોદી દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરે છે, જ્યારે ઘમંડીયા ગઠબંધન ભ્રષ્ટાચારીઓને પોષવાની વાતો કરે છે.

નડ્ડાએ કહ્યું હતું કે, વિપક્ષના વિવિધ પાર્ટીઓના અગ્રણી નેતાઓ બેલ પર જામીન મેળવીને બહાર ફરી રહ્યા છે અથવા તો જેલમાં છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતની વિવિધ પાર્ટીઓના નેતાઓ કોઈ ને કોઈ ગોટાળા સાથે સંકળાયેલા જ છે. અંતમાં તેમણે ઉમેર્યુ હતું કે,  હું ગુજરાતનો સાંસદ બની ચૂક્યો છું, તેથી ગુજરાતી સમજવા લાગ્યો છું. આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓનો પ્રવાસ પણ કરીશ.