નવી દિલ્હી: ઝી ન્યૂઝના એક લેટેસ્ટ ઓપિનિયન પોલમાં દાવો કરાયો છે કે જો આજે ચૂંટણીઓ થઈ જાય તો એનડીએને 377 બેઠકો પ્રાપ્ત થશે.
લોકભા ચૂંટણીને હવે કેટલાક મહિનાઓનો સમય છે અને તમામ પાર્ટીઓ તરફથી જમીન પર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો આના સંદર્ભે ભાજપ માટે એકલા જ 370 પ્લસનો ટાર્ગેટ સેટ કર્યો છે. જ્યારે એનડીએ માટે 400 પ્લસનો આંકડો લઈને ચાલી રહ્યા છે. હવે આ મહત્વકાંક્ષી લક્ષ્ય સુધી પહોંચવા માટે ઘણાં રાજ્યોમાં બેઠકોનો વધારો કરવો પડશે. આ દરમિયાન એક નવો ઓપિનિયન પોલ સામે આવ્યો છે.
ઝી ન્યૂઝના લેટેસ્ટ ઓપિનિયન પોલમાં દાવો કરાયો છે કે જો આજે ચૂંટણી કરાવવામાં આવે તો એનડીએને 377 બેઠકો પ્રાપ્ત થશે. તો વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનને માત્ર 94 બેઠકો જ મળશે. આ સર્વે તમામ 543 બેઠકો પર કરવામાં આવ્યો છે. ઘણાં દિવસો બાદ તેને જાહેર કરવામાં આવ્યો છે. દાવો કરાયો છે કે આ સર્વે લાખો લોકો સાથેની વાતચીત બાદ તૈયાર કરવામાં આવ્યો છે.
સર્વેમાં જુદાજુંદા રાજ્યોની જે તસવીર સામે આવી રહી છે, તે ઈન્ડિયા ગઠબંધનની ચિંતા વધારનારી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે 17 બેઠકો અને ટીએમસીને 24 બેઠકો મળવાનું અનુમાન છે. સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપને પ્રચંડ જનાદેશ મળવાનો છે. જો આજે ચૂંટણી થાય તો યુપીમાં ભાજપને 80માંથી 78 બેઠકો પ્રાપ્ત થશે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનને માત્ર 2 બેઠકોથી સંતોષ માનવો પડે તેવી શક્યતા છે.
આવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ ભાજપની બલ્લે-બલ્લે છે. મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી 45 બેઠકો એટલે કે ભાજપ અહીં ક્લિન સ્વીપ કરવામાં સફળ થશે. તો રાજસ્થાનની તમામ બેઠકો, ગુજરાતની તમામ બેઠકો, દિલ્હીની તમામ બેઠકો ભાજપને મળવાની શક્યતા ઓપિનિયન પોલમાં દર્શાવવામાં આવી છે.
ઓડિશામાં પણ આ વખતે ભાજપનું પ્રદર્શન નવીન પટનાયકની પાર્ટી બીજૂ જનતાદળથી સારું રહેવાની શક્યતા છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં ભાજપ માટે તેલંગણામાં પાંચ બેઠકો, આંધ્રમાં શૂનય્ બેઠકો મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે. જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસને 5 અને એનડીએને 23 બેઠકો મળવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે બિહારમાં નીતિશ કુમારે ખેમો બદલ્યો છે અને તેનો ભાજપને મોટો ફાયદો થતો દેખાય રહ્યો છે અને પાર્ટીને 37 બેઠકો પર જીત મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.