Site icon Revoi.in

અમદાવાદ સહિત 6 શહેરોમાં મેયરની પસંદગી માટે ભાજપની આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ કોર્પોરેશનની યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. તેમજ તમામ છ કોર્પોરેશનમાં ભાજપ સત્તા જાળવી રાખી છે. હવે આ છ કોર્પોરેશનમાં મેયર, ડે.મેયર તથા અન્ય હોદ્દેદારોને લઈને ભાજપના અનેક નેતાઓના નામ ચર્ચાઈ રહ્યાં છે. ત્યારે છ ઉમેદવારોની પસંદગી માટે આજે સાંજથી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. બે દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં મેયર સહિતના હેદ્દેદારો નામ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદવાદમાં પ્રથમ અઢી વર્ષ માટે એસસી મેયરનું રોટેશન રહેશે. આવી જ રીતે રાજકોટમાં ઓબીસી, સુરતમાં મહિલા, વડોદરામાં જનરલ, ભાવનગર અને જામનગરમાં મહિલા અનામત છે. રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપે હવે મહાનગરપાલિકાઓમાં મેયર,ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી કરવા કવાયત હાથી ધરી છે. આજે સાંજથી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવા જઇ રહી છે. આજે સાંજે પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળનાર છે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ,ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના સભ્યો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં છ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર,ડેપ્યુટી મેયરના નામો પર મહોર મારવામાં આવશે.

અમદાવાદ અને ભાવનગર મહાનગરપાલિકાનુ બોર્ડ 10મી માર્ચે મળનાર છે જેમાં મેયરના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ જ પ્રમાણે, રાજકોટ અને વડોદરામાં 12મી માર્ચે અને સુરત-જામનગરમાં 12 માર્ચે મેયર,ડેપ્યુટી મેયરના નામો જાહેર કરવામાં આવનાર છે. મહાનગરો બાદ તુરંત જિલ્લા પંચાયતો, પાલિકાઓ, તાલુકા પંચાયતોના પ્રમુખો સહિતના પદાધિકારીઓની પસંદગી થશે.