અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ ભાજપના બે નેતાઓ પણ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા મંત્રીઓ, અંગત સ્ટાફ અને ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોનો પણ કોરોના રિપોર્ટ કરાવવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે વડોદરામાં એક ચૂંટણીસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડતા તેમને સારવાર અર્થે તાત્કાલિક અમદાવાદ લાવવામાં આવ્યાં હતા. તેમનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમના સંપર્કમાં આવેલા લોકોનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ઉમેદવારોની પસંદગી માટે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ છેલ્લા બે દિવસથી તેઓ રાજ્યભરમાં ચૂંટણીપ્રચાર કરતા હતા. આ દરમિયાન તેઓ સરકારના કેટલાક મંત્રીઓ અને ભાજપના નેતા-કાર્યકરોના સંપર્કમાં આવ્યાં હતા. જેથી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડમાં હાજર 11 સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવશે. આ ઉપરાંત રાજય સરકારના મંત્રીઓ કે જે વારંવાર મુખ્યમંત્રીને મળ્યા હોય છે તેમનો તથા મુખ્યમંત્રીના અંગત સ્ટાફને પણ ટેસ્ટ કરાવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ભાજપના બે નેતાઓ પણ કોરોના સંક્રમિત થતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સારવાર ચાલી રહી છે અને તબિયત સુધારા ઉપર છે.