Site icon Revoi.in

ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદીજી ઓડિશા સરકારમાં બે વખત મંત્રી રહી ચુક્યાં છે

Social Share

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદનો કાર્યકાળ આગામી દિવસોમાં પૂર્ણ થાય છે. જેથી આગામી દિવસોમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે યશવંતસિન્હા ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે. જ્યારે ભાજપ દ્વારા દ્રૌપદી મુર્મુની પસંદગી કરી છે. આદિવાસી સમાજમાંથી આવતા દ્રૌપદી મુર્મુજી ઝારખંડમાં રાજપાલ તરીકે કાર્યકાળ પૂર્ણ કરનારા પ્રથમ મહિલા છે. તેમજ ઓડિસા સરકારમાં અગાઉ મંત્રી પણ રહી ચુક્યાં છે.

ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન, 1958ના રોજ ઓડિશામાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું અને તેમના લગ્ન શ્યામ ચરામ મુર્મુ સાથે થયા હતા. તેઓ ઓડિશાના મયુરભંજ જિલ્લાના કુસુમી બ્લોકના ઉપરબેડા ગામના સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. આ દંપતીને બે પુત્રો અને એક પુત્રી હતી. દ્રૌપદી મુર્મુનું જીવન અંગત દુર્ઘટનાઓથી ભરેલું છે. તેમના પતિ અને બે પુત્રો અકાળે મૃત્યુ પામ્યા હતા.

તેમણે 1997માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેમણે પાછળ વળીને જોયું નથી. દ્રૌપદી મુર્મુ 1997માં ઓડિશાના રાજરંગપુર જિલ્લામાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તે જ વર્ષે, મુર્મુ ભાજપના ઓડિશા એકમના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખ પણ બન્યા.

રાજકારણમાં જોડાતા પહેલા તેમણે શ્રી અરબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, રાયરંગપુર ખાતે માનદ સહાયક શિક્ષક તરીકે અને સિંચાઈ વિભાગમાં જુનિયર સહાયક તરીકે કામ કર્યું હતું. તેમણે 2002 થી 2009 અને ફરીથી 2013 માં મયુરભંજના ભાજપ જિલ્લા અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. તે ઓડિશામાં બે વખત ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે અને નવીન પટનાયક સરકારમાં કેબિનેટ મંત્રી પણ હતા. તે સમયે ઓડિશામાં બીજુ જનતા દળ અને ભાજપની ગઠબંધન સરકાર ચાલી રહી હતી. ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળની ગઠબંધન સરકાર દરમિયાન, તેમણે 6 માર્ચ, 2000 થી ઑગસ્ટ 6, 2002 સુધી વાણિજ્ય અને પરિવહન માટે અને 6 ઓગસ્ટ, 2002 થી 16 મે સુધી મત્સ્ય અને પ્રાણી સંસાધન વિકાસ રાજ્ય માટે સ્વતંત્ર હવાલો સંભાળ્યો હતો, વર્ષ 2007માં તેમને ઓડિશા વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને નીલકંઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દ્રૌપદી મુર્મુએ ઓડિશામાં ભાજપના મયુરભંજ જિલ્લા એકમ અને ઓડિશા વિધાનસભામાં રાયરંગપુર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મુર્મુ ભાજપના આદિવાસી મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહી ચૂક્યા છે.

તેઓ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ રહી ચૂક્યાં છે. દ્રૌપદી મુર્મુ ઝારખંડના નવમા રાજ્યપાલ હતા. વર્ષ 2000 માં ઝારખંડની રચના થઈ ત્યારથી પાંચ વર્ષનો કાર્યકાળ (2015-2021) પૂર્ણ કરનાર તે ઝારખંડના પ્રથમ રાજ્યપાલ હતા. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાજ્યપાલ હતા.