અમદાવાદઃ પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક આગામી તા. 4થી જુલાઈથી સાળંગપુરના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે. બે દિવસીય મળનારી કારોબારીની બેઠકમાં પ્રદેશ ભાજપના પ્રભારી, પ્રદેશ અધ્યક્ષ સહિત તમામ પદાધિકારીઓ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયેલ ઉપસ્થિત રહેશે.
લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થઈ ગઈ છે, અને કેન્દ્રમાં ત્રીજીવાર મોદી સરકાર પણ બની ગઈ છે. જો કે આ વખતે ભાજપ ગુજરાતમાં ક્લિન સ્વીપની હેટ્રિક મારી શક્યો નથી. ગુજરાત ભાજપમાં નેતાઓ એકબીજા સામે આક્ષેપો-પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. શિસ્તબદ્ધ ગણાતા પક્ષના નેતાઓ જ હવે ખૂલ્લીને બોલી રહ્યા છે. ત્યારે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકમાં આ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. યાત્રાધામ સાળંગપુર ખાતે સ્વામિનારાયણ મંદિરમાં તા. 4થી જુલાઈથી બે દિવસીય કારોબારીની બેઠક મળશે. બેઠક માટે પદાધિકારીઓને આમંત્રણ મોકલીને જાણ કરી દેવામાં આવી છે. બુધવારે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં વિધાનસભા ચૂંટણી સમયે નિમાયેલા વિસ્તારકોની બેઠક મળી હતી. આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ સાળંગપુર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાનારી આ પ્રદેશ કારોબારી બેઠકમાં પાર્ટીના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા થશે. સામાન્ય રીતે રાષ્ટ્રીય કારોબારી બેઠક બાદ પ્રદેશ કારોબારી બેઠક યોજાતી હોય છે. આ કારોબારીમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં ગુજરાત લોકસભાની 26 સીટ પરની સમીક્ષા પણ કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ અંગે હાઇકમાન્ડ દ્વારા પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે નિર્ણય કરવામાં આવશે. ત્યાર બાદ જ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ નક્કી કરવામાં આવશે. વર્તમાન ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ટર્મ પૂરી થતી હોવાને કારણે ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, આ બેઠકની અંદર કાર્યકારી પ્રદેશ પ્રમુખના નામની પણ જાહેરાત થઈ શકે છે. (File photo)