અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનો ગઢ મનાતા કડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ફરીથી વિજય થયો છે. રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે પહેલી નગરપાલિકા કબજે કરી હતી. કડી પાલિકામાં 9 વોર્ડની 36 બેઠકો પૈકી 35 બેઠકો ઉપર ભાજપની જીત થઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કડી નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો પૈકી 26 બેઠકો ઉપર ચૂંટણી પહેલા જ ભાજપનો વિજય થયો હતો. જેથી કડી પાલિકામાં ફરીથી સત્તા હાંસલ કરી હતી. જ્યારે બાકી બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. જેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ મત ગણતરીમાં ભાજપની કુલ 35 બેઠકો ઉપર વિજય થયો હોવાનું જાણવા મળે છે. જ્યારે વોર્ડ નંબર-5માં એક બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો.
વર્ષ 2015માં યોજાયેલી ચૂંટણીમાં કડી નગરપાલિકામાં ભાજપનો 28 બેઠકો ઉપર વિજય થયો હતો. જેની સરખામણીમાં આ ચૂંટણીમાં સાત બેઠકનો વધારો થયો છે. કડી પાલિકામાં ભાજપનો વિજય થયા ભાજપના નેતાઓએ ફડાકડા ફોડીને ઉજવણી કરી હતી.