વડોદરાઃ ગુજરાતમાં લગભગ તમામ ડેરીઓ પર ભાજપનું શાસન છે. એક જમાનામાં સહકારી ક્ષેત્ર પર કોંગ્રેસનો કબજો હતો. હવે મોટાભાગની સહકારી સંસ્થાઓ અને ડેરીઓમાં ભાજપનું વર્ચસ્વ છે. ત્યારે બરોડા ડેરીમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. જેમાં બરોડા ડેરીના ચેરમેન સતીષ પટેલ બન્યા છે. તો વાઇસ ચેરમેન પદે ક્રિપાલસિંહની વરણી થઇ છે. સતીષ પટેલ વડોદરા ભાજપના અધ્યક્ષ છે. કલેક્ટરની અધ્યક્ષતામાં બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ બરોડા ડેરીમાં પ્રમુખ દિનુ પટેલ અને ઉપપ્રમુખ જી.બી સોલંકીના રાજીનામા આપ્યા બાદ આ પદ ખાલી પડ્યા હતા. સાવલીના ધારાસભ્યના આંદોલન બાદ આ બંનેએ રાજીનામા આપ્યા હતા. અઢી વર્ષ પૂરા થાય તે પહેલા પ્રમુખ, ઉપપ્રમુખે રાજીનામા આપી દીધા હતા. જે પછી ખાલી પદ માટે ચૂંટણી યોજાઇ હતી. આજે કલેક્ટરની અધ્યક્ષતામાં બરોડા ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. જેમાં ચેરમેન તરીકે સતીષ પટેલ અને વાઇસ ચેરમેન પદે ક્રિપાલસિંહની વરણી કરવામાં આવતા તેમના સમર્થકોએ ખૂશી વ્યક્ત કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવતા જી.બી સોલંકીને પણ વાઇસ ચેરમેન પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યાર બાદ હવે જે બે માસનો સમયગાળો બાકી છે. તેના માટે બરોડા ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થવી જરુરી હતી. બે માસ પછી નવી ટર્મ શરુ થવાની છે. જે પછી નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થશે. ક્રિપાલસિંહે થોડા સમય પૂર્વે કોંગ્રેસ છોડીને કેસરિયા કર્યા હતા. ત્યારે જ શક્યતાઓ જોવાઇ રહી હતી કે તેને મહત્વનો હોદ્દો આપવામાં આવશે. તે જ રીતે તેમની બરોડા ડેરીના વાઇસ ચેરમેન પદે વરણી થઇ છે.