ભાજપની સ્ટ્રેટેજી, હારેલી બેઠક પર વધુ ફોકસ અને કોગ્રેસના સબળ નેતાને પ્રવેશ આપવાની રણનીતિ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવવાના લક્ષ્ય સાથે ભાજપ પ્રમુખ પાટીલ અત્યારથી જ સોગઠા ગોઠવી રહ્યા છે. ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામોને આધારે સ્ટ્રેટેજી બનાવી રહ્યા છે. ગત વિધાનસભા ચૂંટણીના પરિણામોના આધારે ભાજપના માઇનસ બૂથનું માઇક્રોપ્લાનિંગ, નરેન્દ્ર મોદીનો ચહેરો અને ચૂંટણી જીતી શકે તેવા કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ આપવો. આ ત્રણ વ્યૂહરચના સાથે પાટીલ આગળ વધી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના આ ત્રિપાંખિયા વ્યૂહની સાથે પક્ષના ઉમેદવારોની પસંદગી પણ મહત્વ ધરાવે છે. જેમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ફોર્મ્યુલા પ્રમાણે ત્રણ ટર્મથી વધુના ધારાસભ્યો, 60 વર્ષથી વધુ વયના અને ખરડાયેલી છાપ વાળાની ટિકિટ કાપી તેમના બદલે નવાને તક આપવાની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તો ગુજરાતમાં વિધાનસભાની 150થી વધુ બેઠકો જીતવાનું મિશન તો શરૂ કર્યું છે. પરંતુ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ કોંગ્રેસના માધવસિંહ સોલંકીના નામે છે. એટલું જ નહીં નરેન્દ્ર મોદી પણ આ રેકોર્ડ તોડી શકયા નથી, પણ પાટીલ છેલ્લા કેટલાક સમયથી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ધરખમ ફેરફારો કરી સરકાર અને સંગઠનને સાથે રાખી માસ્ટર પ્લાન તૈયાર કરી રહ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો જ મળી હતી, જેમાંથી બોધપાઠ લઇ ને ભાજપ પ્રમુખ અને હાઇકમાન્ડ દ્વારા 2022ની ચૂંટણીનું પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને 2017માં ભાજપ હારેલા ઉમેદવારોની સાથે કોંગ્રેસના ઉમેદવાર કેમ જીત્યા હતા, તેનું એનાલિસિસ કરવામાં આવે છે,જેમાં આવા માઇનસ બૂથને આઇડેન્ટીફાય કરી આ બૂથ પર માઇક્રોપ્લાનિંગ કરવા પક્ષના કેટલાક ચોક્કસ નેતાઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સી.આર.પાટીલ ભાજપના પ્રમુખ બન્યા ત્યારથી કેહતા આવ્યા હતા કે, ભાજપને કોંગ્રેસના કોઈ આગેવાનો કે નેતાઓની જરૂર નથી, પણ પ્રમુખ પદ સંભાળ્યા બાદ અનુભવે પાટીલનો વ્યૂહ બદલાવા લાગ્યો હતો. હવે વિધાનસભા ચૂંટણીમાં કેટલીક બેઠકો પર કોંગ્રેસ જ જીતી શકશે તેવા રિપોર્ટના આધારે આગામી દિવસોમાં ચૂંટણી જીતી શકે તેવા કોંગ્રેસના હાલના ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ આપવામાં આવે તેવી શક્યતા છે. ભાજપ ઉમેદવારની પસંદગીમાં પણ પાટીલ દ્વારા કઠોર નિર્ણયો લેવામાં આવી શકે છે. જેમાં કોઈની ભલામણથી ટિકિટ નહીં પણ માત્ર જીતી શકે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા તૈયારી કરી રહ્યા છે. આવા ઉમેદવારો શોધવા માટે પાર્ટીએ કોંગ્રેસ તરફ પણ નજર દોડાવવી પડે તેમ છે, કેમ કે કોંગ્રેસને 2017માં 77 બેઠકો મળી હતી, તે બેઠકો ભાજપ ખૂંચવી શકે તો જ પાટીલનો 150 બેઠકોનો ટાર્ગેટ પૂર્ણ થઈ શકે છે. જેથી કૉંગ્રેસના શકિતશાળી ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ કરાવી ટિકિટ આપશે.