ગુજરાત વિધાનસભામાં ભાજપની તાકાત વધી, વાવ બેઠક ઉપર કોંગ્રેસની હાર
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરની જીત થતા તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામુ આપ્યું હતું. જેથી ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક માટે તાજેતરમાં જ મતદાન યોજાયું હતું. દરમિયાન આજે સવારે વાવ બેઠક માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ બેઠક કોંગ્રેસે ગુમાવી છે. મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 1300 મતથી વિજ્યી થયા હતા. વાવ બેઠક ઉપર ભાજપના ઉમેદવારની જીત થતા ભાજપના નેતાઓ-કાર્યકરોએ તેની ઉજવણી કરી હતી. બીજી તરફ ગુજરાત વિધાનસભામાં ભાજપાની સ્થિતિ વધારે મજબુત બની છે. 182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભામાં હવે ભાજપાનું સંખ્યા બાદ લગભગ 162 જેટલુ થયું છે.
વાવ પેટા ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. વાવ બેઠક કોંગ્રેસે ગુમાવી છે. ભાજપના સ્વરૂપજી ઠાકોર 1300 મતે વિજયી બન્યા છે. વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે. 23માં રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે 1300 મતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવ્યા છે. 14 રાઉન્ડ સુધી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ હતા. જોકે, 14 રાઉન્ડ પછી ભાજપના સ્વરૂપજી ઠાકોર સતત કોંગ્રેસની લીડ કાપતા જોવા મળ્યા હતા. 23માં અંતિમ રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવ્યા હતા.
આ ચૂંટણીમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત મેદાનમાં હતા જ્યારે ભાજપના બળવાખોર એવા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક પર સવા બે લાખ જેટલા મતો પડ્યાં હતા. કોંગ્રેસે આ બેઠકને જાળવી રાખવા માટે જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો હતો. એટલું જ નહીં સાંસદ ગેનીબેન ઠાકોર પણ મતદારોને મળીને કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે અપીલ કરતા હતા.