Site icon Revoi.in

ભાજપના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન, પીએમ સહિત અગ્રણીઓએ શોક વ્યક્ત કર્યો

Social Share

મહેસાણાઃ  જિલ્લાના ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલની ડેન્ગ્યુ થયા બાદ આજે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન  નિધન થઈ ગયું છે. જોકે શનિવારે  ઝાયડસ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ.વી.એન.શાહે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું કે આશાબેન પટેલના મોટા ભાગનાં અંગો ફેલ થયાં છે. આવા સંજોગોમાં રિક્વરીના ચાન્સ બહુ ઓછા હોય છે. આજે રવિવારે સારવાર દરમિયાન ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન થયુ હતું.

આશાબેનના પાર્થિવદેહને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાંથી ઊંઝા લઈ જવાયો હતો. સ્વજનો સ્વર્ગસ્થના પાર્થિવ દેહને લઈને ઊંઝા રવાના થયા હતા. લગભગ 3.30 વાગ્યે ઊંઝા ખાતે આશાબેનના ઘરે તેમનો પાર્થિવ દેહ પહોંચતાં વાતાવરણ ગમગીન બની ગયુ હતું.  સ્વર્ગસ્થના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. આવતીકાલે સિદ્ધપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આશાબેનના નિધન પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, આશાબેન પટેલને ડેન્ગ્યુના કારણે ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડોકટરોની મહેનત છતાં બચાવી શક્યા નથી. બપોરે 1 કલાક પહેલાં તેઓનું નિધન થયું છે. તેમના પરિવારજનો, ઊંઝા માર્કેટ યાર્ડના ચેરમેન સહિતના લોકો હાજર હતા. ઊંઝા લઈ જઈ ધાર્મિકવિધિ કરવામાં આવશે. સાંજે 5.30 વાગ્યે ઉંઝા માર્કેટ યાર્ડમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. જ્યારે આવતીકાલે સવારે વતન વિસોલ ખાતે લઇ જવાશે જ્યાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. બાદમાં સિદ્ધપુર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામા આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી આશાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થઈ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદગત્ ના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવું છુ.

અક્ષે ઉલ્લેખનીય છે કે, 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ડૉ.આશાબેન પટેલ ચૂંટાયાં હતાં, જોકે 2019માં તેમણે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયાં હતાં, જેને કારણે ખાલી પડેલી આ બેઠક પર ચૂંટણી યોજાઇ હતી, જેમાં ભાજપે આશાબેનને જ ટિકિટ આપતાં ફરી જીતી ગયાં હતાં.  કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલાં ડૉ.આશાબેન પટેલ 19,500 મતની લીડથી વિજેતા બન્યાં હતાં. 2019ની પેટાચૂંટણીમાં ભારે રસાકસી બાદ ભાજપનાં ડૉ. આશાબેન પટેલનો 23,072 મતની લીડથી વિજય થયો હતો.