નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની સાથે અરૂણાચલ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. આ બંને રાજ્યની વિધાનસભાની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચો એટલે કે એસકેએમને બહુમળી મળી છે. ચોંકાવનારી વાત એ છે કે, સિક્કિમમાં ભાજપ અને કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી ન હતી. જ્યારે અરૂણાચલ પ્રદેશમાં ભાજપની જીત થઈ હતી.
સિક્કિમ વિધાનસભાની 32 બેઠકો અને અરૂણાચલ પ્રદેશ વિધાનસભાની 60 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. સિક્કિમમાં 79.88 ટકા અને અરૂણાચલ પ્રદેશમાં 82.95 ટકા જેટલુ મતદાન યોજાયું હતું. દરમિયાન આજે બંને વિધાનસભામાં મતદાન બાદ આજે ચૂંટણીપંચ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અરૂણાચલ પ્રદેશમાં ભાજપાએ મતદાન પૂર્વે જ 10 બેઠકો બિનહરીફ જીતી હતી. અરૂણાચલ પ્રદેશ વિધાનસભામાં ભાજપાએ કુલ 46, એનપીપીએ પાંચ, પીપીએની બે, કોંગ્રેસની એક બેઠક અને અપક્ષોની 3 બેઠક ઉપર જીત થઈ છે. સિક્કિમ વિધાનસભાની વાત કરીએ તો, એસકેએમની 31, એસડીએફની એક ઉપર જીત થઈ હતી. જ્યારે કોંગ્રેસ અને ભાજપ એક બેઠક મેળવી શકી ન હતી.
સિક્કિમ વિધાનસભા માટે તા. 19 એપ્રિલે મતદાન થયું હતું. સિક્કિમમાં પ્રેમ સિંહ તમાંગની આગેવાની હેઠળના સત્તાધારી સિક્કિમ ક્રાંતિકારી મોરચા અને પવન કુમાર ચામલિંગના સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ વચ્ચે સ્પર્ધા હતી. 2019માં પ્રેમ સિંહ તમાંગની આગેવાની હેઠળની SKMએ 17 બેઠકો જીતી હતી, જ્યારે SDFને 15 બેઠકો મળી હતી. અરુણાચલ પ્રદેશમાં બહુમતીનો આંકડો 31 બેઠકોનો છે. ભાજપ અહીં એકલા હાથે તેના કરતાં વધુ બેઠક જીતી જવામાં સફળ રહ્યો છે. 60 સીટોવાળી અરુણાચલ વિધાનસભામાં સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો હતો. ભાજપે તમામ 60 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે કોંગ્રેસે માત્ર 19 બેઠકો પર ચૂંટણી લડી હતી.