નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતમાં ભાજપની વિજયકૂચઃ કમલમમાં ઉજવણીનો માહોલ
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર અને ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસનું ધોવાણ થયું હતું. ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ મતદારોએ ભાજપને ખોબલેને ખોબલે મત આપ્યાં હોવાનું સામે આવ્યું છે. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારોની જીતના પગલે કાર્યકરોમાં ખુશીનો માહોલ ફેલાયેલો છે. તેમજ ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે કાર્યકરોએ ઢોલ-નગારા સાથે ઉજવણી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં 81 નગરપાલિકાઓની 2720 બેઠક, 31 જિલ્લા પંચાયતોની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4774 બેઠકોની મતગણતરી હાથ ધરાઈ હતી. જિલ્લા પંચાયતની 25, તાલુકા પંચાયતની 117 અને પાલિકાની 95 બેઠકો બીનહરિફ જાહેર થઈ હતી. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની મતગણતરી શરૂ થયા બાદ એક બાદ એક બેઠકોનો પરિણામ જાહેર થવા લાગ્યાં હતા. વર્ષ 2015ની સરખામણીમાં વધારે ભાજપના ઉમેદવારો જીત્યા છે અને હરિફ ઉમેદવાર કરતા આગળ ચાલી રહ્યાં છે. તેમજ કડી અને દહેગામ સહિતની પાલિકામાં ભાજપનો ભગવે લહેરાયો છે. જેથી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે.
નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના પરિણામ જાહેર થતાની સાથે જ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યાં હતા. તેમજ ઢોલ-નગારા સાથે ઉજવણી કરી રહ્યાં છે. ગણતરીના કલાકોમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના ભાજપના આગેવાનો પણ કમલમ પહોંચે તેવી શકયતા છે.