નેપાળમાં દૂર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળ્યું, પ્લેન ક્રેશ થયાનું ચોક્કસ કારણ જાણી શકાશે
નવી દિલ્હીઃ નેપાળમાં સર્જાયેલા વિમાન દૂર્ઘટનામાં 68 પ્રવાસીઓના મોત થયાં છે. જેમાં પાંચેક ભારતીય નાગરિકોના સમાવેશ થાય છે. દરમિયાન બચાવ કામગીરી વખતે રેસ્ક્યુ ઓપરેશન ટીમને પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું હતું. બ્લેક બોક્સની તપાસમાં વિમાન દુર્ઘટનાની હકીકત સામે આવશે. વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ ભારતીય પૈકી ચાર ઉત્તરપ્રદેશના હોવાનું જાણવા મળે છે. દરમિયાન મૃતદેહ સ્વિકારવા માટે ભારતીય દૂતાવાસના અધિકારી પોખરા પહોંચ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પોખરામાં થયેલા વિમાન દુર્ઘટનામાં મળી આવેલા મૃતદેહની ઓળખ માટે હવે કાઠમાંડુના બે ફોરેન્સિક એક્સપર્ટ પોખરા પહોંચ્યાં છે. કાઠમાંડુ એરપોર્ટના ઉચ્ચ અધિકારી પ્રેમનાથ ઠાકુરએ જણાવ્યું હતું કે, મૃતકોની ઓળખ માટે ત્રિભુવન વિશ્વવિદ્યાલય શિક્ષણ હોસ્પિટલના બે ફોરેન્સિક એક્સપર્ટસને પોખરા મોકલવામાં આવ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર દુર્ઘટના સ્થળની સ્થિતિ ખરાબ હોવાથી રેસ્ક્યુ ટીમને ચાર મૃતદેહ શોધવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ઘટના સ્થળથી મળેલા 68 મૃતદેહ પૈકી 35 મૃતદેહની ઓળખ થઈ છે. તમામ મૃતદેહ પોખરા એકડમી ઓફ હેલ્થ સાયન્સીજમાં રાખવામાં આવ્યાં છે.
નેપાળ વિમાન દૂર્ઘટનાને નજીકથી જોનાર સાક્ષીએ જણાવ્યું હતું કે, તેમની બસ્તી પાસે જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણે તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેમના ઘરથી 12 મીટર દૂર વિમાનનો એક પંખો જમીન સાથે અથડાયો હતો. જો વિમાન થોડુ નજીક આવી જતુ તો આખી બસ્તી નાશ પામતી. નેપાળમાં સર્જાયેલૂ દૂર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું.