અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારને નાથવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદ અને સુરતમાં કરોડોના ડ્રગ્સની સાથે કેટલાક લોકોને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દરમિયાન આજે પોલીસે રાજકોટમાંથી 13 લાખના એમડી ડ્રગ્સ સહિત 18 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં એસઓજીની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન કિડવાઇનગર રોડ તુલસીબાગ પાસે મેફેડ્રોન એમ.ડી. ડ્રગ્સના જથ્થો બ્રિજેશ ઉદયલાલ પાલીવાલ અને મોનાર ઉર્ફે ભાણો રાણાભાઇ ચૌહલા નામના બે શખ્સો પાસે હોવાની માહિતી મળી હતી. રાજકોટ એસઓજીએ ચોક્કસ માહિતીના આધારે તપાસ કરીને બંને શખ્સોને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. બંને આરોપીઓ પાસેથી 13 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે બંને શખ્સોને ઝડપી લઈને તેમની પાસેથી કુલ 18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અન્ય શખ્સોની સંડોવણી સામે આવે તેવી શકયતા છે. આ ડ્રગ્સ રેકેટમાં મુંબઈના એક શખ્સનું નામ સામે આવતા પોલીસે તપાસ મુંબઈ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આરોપી પાસેથી મોબાઈલ ફોન અને કાર પણ મળી આવતા જપ્ત કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓના મોબાઈલ ફોનની તપાસ આરંભી છે. મોબાઈલમાંથી મહત્વની માહિતી સામે આવે તેવી શકયતા છે.