Site icon Revoi.in

બ્લેક ફંગસ – વ્હાઈટ ફંગસ – યલ્લો ફંગસ બાદ હવે આ નવુ ફંગસ સામે આવ્યું, એસ્પરગિલોસિસ ફંગસ: ગુજરાતમાં 8 કેસ

Social Share

અમદાવાદ: કોરોનાની બીજી લહેર આમ તો સંપૂર્ણપણે શાંત થઈ નથી. હજુ પણ કોરોનાવાયરસના કેસ સતત આવી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં તો 2 લાખથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે. આવા સમયમાં કોરોનાની સાથે સાથે ફંગસ ઈન્ફેક્શનની બીમારીના કેસ પણ દેશના અનેક રાજ્યોમાં જોવા મળ્યા છે.

ચિંતાજનક વાત એ છે કે દેશમાં આ ફંગલ ઈન્ફેક્શનના કેસ સતત વધતા જાય છે અને રોજ કાંઈકને કાંઈક નવુ આવી રહ્યું છે. પહેલા બ્લેક ફંગસના કેસ આવ્યા, પછી વ્હાઈટ ફંગસ એના પછી યલ્લા ફંગસ અને હવે નવુ ફંગસ ઈન્ફેક્શન બહાર આવ્યું છે જે છે એસ્પરગિલોસિસ ફંગસ. આ ફંગસના ગુજરાતમાં અત્યાર સુધીમાં 8 કેસ જોવા મળ્યા છે.

જો વાત કરવામાં આવે એસ્પરગિલોસિસ ફંગસની તો આ બાબતે ડૉક્ટરનું કહેવુ છે કે આ ફંગસ કોરોનાથી એકવાર સંક્રમિત થયેલા દર્દીઓમાં તથા કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં પણ જોવા મળે છે.

સાયનસ એસ્પરગિલોસિસ ઈન્ફેક્શન ભાગ્ય જ કોઈકને થાય છે. હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આ નવા ફંગસના 8 કેસ નોંધવામાં આવ્યા છે જે ગયા અઠવાડિયે હોસ્પિટલમાં દાખલ થયા હતા.

શહેર અને જિલ્લા વહીવટ માટે કોવિડ -19 ના સલાહકાર ડો. શીતલ મિસ્ત્રીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પલમોનરી એસ્પરગિલોસિસ સામાન્ય રીતે ઇમ્યુનીટી ઓછી હોય તેવા દર્દીઓમાં જોવા મળે છે, પરંતુ સાઇનસનું એસ્પરગિલોસિસ ભાગ્યે જ જોવા મળે છે. આ રોગ હવે તે દર્દીઓમાં જોવા મળી રહ્યો છે જેઓ કોવિડથી સાજા થયા છે અથવા સારવાર લઈ રહ્યા છે. જો કે, એસ્પરગિલોસિસ બ્લેક ફંગસ અથવા મ્યુકોર્માયકોસિસ જેટલું જોખમી નથી.

ડોકટરોના જણાવ્યા અનુસાર, ફંગલ ઇન્ફેક્શનના ઘણા બધા કેસ આવી રહ્યા છે કારણ કે સ્ટેરોઇડ્સનો ઉપયોગ દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે. ઉપરાંત, ઓક્સિજન સપ્લાયને હાઇડ્રેટ કરવા માટે બિન-જંતુરહિત પાણીનો ઉપયોગ પણ એક કારણ હોઈ શકે છે.