અમદાવાદઃ નર્મદ નદીના કિનારે સરદાર પટેલની વિશાળ પ્રમિતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે કેવડિયામાં આકાર પામેલા જંગલ સફારી પાર્ક સહિત સ્થળોની મુલાકાત લે છે. હવે જંગલ સફારી પાર્કની મુલાકાતે આવતા પ્રવાસીઓ બ્લેક પેન્થરની સાથે હિપ્પોપોટેમસ પણ નિહાળી શકાશે. મધ્ય પૂર્વ ભારતમાં જોવા મળતા બ્લેક પેન્થર કેવડિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકમાં જ 375 એકરમાં જંગલ સફારી પાર્ક ઉભુ કરવામાં આવ્યું છે. તેમજ અહીં 1500 જેટલા અલગ-અલગ જાનવરોને રાખવામાં આવ્યાં છે. કેવડિયાની મુલાકાતે આવનાર પ્રવાસીઓ જંગલ સફારીની મુલાકાત લેવાનું જરાય ચૂકતા નથી. સફારી પાર્કમાં નવા બે મહેમાનોનું આગમન થયું છે. આસામથી એક બ્લેક પેન્થર લાવવામાં આવ્યો છે. રાજ્યમાં ક્યાંય પણ બ્લેક પેન્થર ન હોવાના કારણે અહીં આવનાર પ્રવાસીઓ આ જાનવરને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ બ્લેક પેન્થરનું નામ કાલી રાખવામાં આવ્યું છે. મધ્ય પૂર્વ ભારત ઉપરાંત પાકિસ્તાન, ચીન, સાઈબિરીયા અને દક્ષિણ પૂર્વ એશિયામાં બ્લેક પેન્થર જોવા મળે છે.
જંગલ સફારી પાર્કમાં બ્લેક પેન્થર બાદ હિપ્પોપોટેમસ લાવવામાં આવ્યો છે. જૂનાગઢના સક્કરબાગમાંથી તેને અહીં લાવવામાં આવ્યો છે. હિપ્પોપોટેમસનું નામ છોટા ભીમ રાખવામાં આવ્યું છે. હિપ્પોપોટેમસ હાલ નાનો છે જેથી તે પાણીમાં જ બેસી રહે છે. કેવડિયા ખાતે દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેશના વિવિધ રાજ્યોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નીહાળવા આવે છે.