- દેશમાં પહેલીવાર ઇન્દોરમાં મળ્યો ગ્રીન ફંગસનો કેસ
- એરલિફ્ટ કરીને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં મોકલ્યો
- બ્લેક ફંગસ કરતા ગ્રીન ફંગસ વધુ ખતરનાક
ભોપાલ:મધ્યપ્રદેશમાં કોરોનાએ તાંડવ મચાવ્યા બાદ હવે ફંગસનો કહેર લોકોને પાયમાલ કરી રહ્યો છે. બ્લેક, વ્હાઇટ અને યલો ફંગસ બાદ હવે રાજ્યમાં ગ્રીન ફંગસનો કેસ સામે આવ્યો છે. ઇન્દોર દેશનું પહેલું શહેર છે જ્યાં ગ્રીન ફંગસનો કેસ સામે આવ્યો છે. શહેરના અરબિંદો હોસ્પિટલમાં એડમિટ દર્દીમાં ગ્રીન ફંગસનું લક્ષણ જોવા મળ્યું છે. દર્દીમાં ગ્રીન ફંગસની જાણ થતાં જ તેને તાત્કાલિક મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં ખસેડાયો છે.
શહેરના માણિકબાગ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય દર્દીને પહેલા કોરોના હતો. તેના 90% ફેફસાં કોરોના કારણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. દર્દીની સારવાર 2 મહિના કરવામાં આવી હતી. જે પછી તેની તબિયત સુધરતાં જ તેને રજા આપવામાં આવી હતી, પરંતુ ઘરે ગયા પછી 10 દિવસ પછી દર્દીની હાલત ફરી કથળી હતી. તેના જમણા ફેફસાંમાં પરુ ભરાયુ હતું. ફેફસાં અને સાઇનસમાં એસપરજિલસ ફંગસ થયો હતો,જેને ગ્રીન ફંગસ કહેવામાં આવે છે.
ગ્રીન ફંગસ છે બ્લેક ફંગસ કરતા વધુ ખતરનાક
ડોકટરોના મતે, ગ્રીન ફંગસ, બ્લેક ફંગસથી વધુ જોખમી છે. ઇન્દોરમાં દર્દીને ગ્રીન ફંગસ થયા બાદ તેની તબિયત સતત બગડતી હતી. દર્દીમાં મળમાં લોહી વહેવા લાગ્યું હતું. તાવ પણ 103 ડિગ્રી રહેતો હતો. સૌથી મોટી વાત એ છે કે.ગ્રીન ફંગસના દર્દી પર એમ્ફોટેરેસિન બી ઈંજેક્શન પણ અસર કરતું નથી.
દર્દીની ગંભીર હાલત
દેશમાં ગ્રીન ફંગસનો આ પહેલો કેસ છે જે કોવિડ પછીના દર્દીમાં જોવા મળ્યો છે. કોરોનાની ગતિ ઓછી થઈ છે, પરંતુ બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા ઓછી થતી નથી.એવામાં ગ્રીન ફંગસની તપાસ એ ગંભીર બાબત છે. હાલ દર્દીને વધુ સારી સારવાર માટે મુંબઇ મોકલી દેવાયો છે.