અમદાવાદઃ રાજ્યભરમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થયું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરો અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન વીજ કંપનીના 10થી વધુ ટીસી બળી જતાં શહેરની સાથે તાલુકાનાં 82 જેટલાં ગામડાંમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હતી. જેથી અંધારપટ છવાયો હતો. વીજ કંપની દ્વારા આ ગ્રામીણ વિસ્તારમાં વીજ પુરવઠો ફરીથી યથાવત કરવા માટે કવાયત શરૂ કરાઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરીથી મેઘરાજાએ મહેર વરસાવવાનું શરૂ કર્યું છે. લખતર અને ચુડામાં સાડા 3 ઈંચથી વધુ જ્યારે ચોટીલામાં પોણા 3 ઈંચ વરસાદ થયો હતો. તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણમાં પણ 1 ઈંચથી વધુ વરસાદ થયો હતો. ચોટીલા તાલુકાના ડાકવડલા ગામ પાસે આવેલો ત્રિવેણી ઠાંગા ડેમ 100 ટકા ભરાઈ ગયો હતો અને 0.10 મીટરથી ઓવરફ્લો થયો હતો.
આથી જળાશયની જળસપાટી ધ્યાને લઈ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા રામપરા (રાજ), ખાટડી, શેખલિયા, મેવાસા અને લોમા કોટડી ગામના લોકોને બંધની નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના ભાગમાં ન જવા તાકીદ કરાઈ હતી. સુરેન્દ્રનગરમાં છેલ્લા 3 દિવસમાં સિઝનનો કુલ 3.09 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો કુલ 70.16 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 100 ટકાથી વધારે વરસાદ વરસ્યો છે. એટલું જ નહીં ભારે વરસાદને કારણે જળાશયોમાં નવા પાણીની સારી એવી આવક થઈ છે. જેથી ઉનાળાની ગરમીના આકરા દિવસોમાં પાણીની સમસ્યા સર્જાવવાની શક્યતા નહીંવત છે.
(Photo-File)