Site icon Revoi.in

ખિસ્સામાં રાખેલા ફોનમાંથી ધૂમાડો નિકળ્યા બાદ થયો બ્લાસ્ટઃ ફોનધારકની સમજદારીથી ટળી દૂર્ઘટના

Social Share

અમદાવાદઃ મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. જો કે, ઉત્તર ગુજરાતના રાધનપુરમાં મોબાઈલ ફોન ધારકની સમયચુકતાને કારણે જાનહાની ટળી હતી. વાત જાણે એમ છે કે, એક દુકાનમાં બેઠેલા ગ્રાહકે પોતાના શર્ટના ખિસ્સામાં મોબાઈલ ફોન રાખ્યો હતો. દરમિયાન મોબાઈલ ફોનમાંથી ધુમાડો નીકળતા ડરી ગયેલા ગ્રાહકે ફોનને કાઢીને દુકાનની બહાર ફેંકી દીધો હતો. જે બાદ મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો હતો. મોબાઈલ ફોન ધારકની સમયસૂચકતાથી મોટી દૂર્ઘટના ટળી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાડિયા ગામમાં રહેતા રાયચંદભાઈ ઠાકોર કામ અર્થે રાધનપુર ખાતે એક ગેરેજમાં આવ્યાં હતા. તેઓ દુકાનમાં બેઠા હતા અને દુકાનદાર પપ્પુ ઠક્કર સાથે વાતચીત કરી રહ્યાં હતા. દરમિયાન પોતાના શર્ટના ખિસ્સામાં રાખેલા મોબાઈલ ફોનમાંથી ધુમાડો નીકળતા તેઓ ડરી ગયા હતા અને મોબાઈલને ખિસ્સામાંથી કાઢીને બહાર ફેંક્યો હતો. ત્યાર બાદ લાત મારીને દુકાનની બહાર ધકેલ્યો હતો. તે બાદ અચાનક જ મોબાઈલ ફોનમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. મોબાઈલમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં રાયચંદની સમજદારીને કારણે કોઈ જાનહાની થઈ ન હતી. જો કે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.