વડાલીના વેડા ગામમાં ઓનલાઈન મંગાવાયેલા પાર્સલમાં ધડાકો : એકનુ મોત
ખેડબ્રહ્માઃ સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના વેડા ગામમાં ઓનલાઈન પાર્સલમાં ધડાકાને પગલે એક વ્યક્તિનુ મોત નીપજ્યુ હતુ. જ્યારે અન્ય ત્રણ જણા ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે જાણ વડાલી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે આ વિસ્તારમાં ફફડાટ સાથે આતંક ફેલાઈ ગયો હતો.
વડાલી તાલુકાના વેડા ગામમાં બનેલી ઘટનામાં જેમાં એક વ્યક્તિએ ઓનલાઈન આવેલુ પાર્સલ ખોલતા તેમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલા જોરદાર હતી કે પાર્સલ ખોલનારી વ્યક્તિના હાથના કાંડાના ફૂરચા ઉડા ગયા હતા. ઉપરાંત છાતીમાં અસંખ્ય ગોળીઓ મારી હોય તેમ છાતી ચારણી જેવી બની ગયેલી નજરે ચઢતી હતી. ઘટના સ્થળે જ તેનુ અરેરાટીભર્યું કરુણ મોત નીપજ્યુ હતુ.
આ બ્લાસ્ટમાં અન્ય ત્રણ જણા ઘાયલ થતા તેમને સારવાર અર્થે હિંમતનગર ખાતે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં બે બાળકીઓ ગંભીરપણે ઘાયલ હોવાનુ જાણવા મળ્યું છે. ચૂંટણી પહેલા જ થયેલા આ બ્લાસ્ટને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. આ પાર્સલ કોણે મોકલ્યું હતુ ? ઉપરાંત ક્યાંથી પાર્સલ મોકલવામાં આવ્યું હતુ ? તેની વડાલી પીએસઆઈ જે.એમ.રબારી તથા તેમની ટીમે વધુ તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.