યુનાઈટેડ કિંગ્ડમના વેલ્સમાં પોર્ટ ટેલબોટ પર આવેલા ટાટા સ્ટીલ પ્લાન્ટમાં શુક્રવારે સવારે ત્રણ મોટા વિસ્ફોટ થયા છે. આ વિસ્ફોટને કારણે આખું વેલ્સ શહેર ધ્રુજી ઉઠયું છે. સવારે ત્રણ વાગ્યે થયેલા વિસ્ફોટોમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. તો આગ પર પણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે ટાટા સ્ટીલના પ્લાન્ટમાં અચાનક એક પછી એક વિસ્ફોટ થયા છે. વિસ્ફોટ દરમિયાન લોકોએ આગ અને ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોયા હતા. લોકોએ સોશયલ મીડિયા પર વિસ્ફોટની તસવીરો રજૂ કરીને જણાવ્યું કે અચાનક જોરદાર અવાજ આવ્યો. જેનાથી અમારી નિંદર ઉડી ગઈ. અમે જોયું કે ટાટા સ્ટીલના પ્લાન્ટમાંથી આગની લપટો ઉઠી રહી છે.
સાઉથ વેલ્સ પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યુ કે શુક્રવારે સવારે સાડા ત્રણ વાગ્યે ટાટા સ્ટીલ પ્લાન્ટમાં ત્રણ વિસ્ફોટ થયા હતા. અમને ઘણાં ફોન કોલ આવવા લાગ્યા હતા. તેના પછી અમે ટાટા સ્ટીલ પ્લાન્ટમાં પહોંચ્યા, જ્યાં આગની લપટો ઉઠી રહી હતી. મામૂલી ઈજા સાથે માત્ર બે લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
વેલ્સના સ્થાનિક મીડિયાનું કહેવું છે કે ફેક્ટરીની અંદર મોલ્ટન મેટલ લઈને આવનારી ટ્રેનમાં આ વિસ્પોટ થયો છે. વિસ્ફોટમાં બે લોકોને મામૂલી ઈજા થઈ છે. ઈમરજન્સી સર્વિસ ટીમ ઘટનાસ્થળે બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી. ટાટા સ્ટીલે પણ નિવેદન જાહેર કરીને તમામ કર્મચારીઓ સુરક્ષિત હોવાનું જણાવ્યું છે.
તેમણે જણાવ્યુ છે કે વેલ્સમાં આવેલો ટાટા સ્ટીલ પ્લાન્ટ યુકેનો સૌથી મોટો સ્ટીલવર્ક્સ પ્લાન્ટ છે. ટાટા સ્ટીલના પ્રવક્તાનું કહેવું છે કે કંપની ઈમરજન્સી સેવાઓ સાથે કામ કરી રહી છે. વિસ્ફોટોથી બિલ્ડિંગના કેટલાક હિસ્સાને નુકસાન થયું છે.